આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સેતાન રાજી થયો. તેણે વિચાર્યું : "હવે મને લાગ ફાવ્યો છે. લોકોનો બધો માલ લઇ શકીશ ને તેઓને પાયમાલ કરી શકીશ."

પણ સેતાનની ગણતરી ખોટી પડી. લોકો કંઇ નાણું સમજીને મહોરો નહોતા લેતા. તેઓને મન તો સિક્કા તે રમકડાં હતાં. તે બધી મહોરો પોતાનાં છોકરાંછૈયાને આપી દેતા હતા. જ્યારે સિક્કાની છત થઇ એટલે લોકો તે લેતા બંધ પડી ગયા.

દરમ્યાન સેતાનનો મહેલ પૂરો ચણાયો ન હતો. તેના કોઠારમાં તેને જોઇતો હતો એટલો દાણો પણ એકઠો નહોતો થયો. એટલે તેણે મજૂર વગેરેને બમણા સિક્કા આપવાનું કહ્યું.

મજૂરો કે ખેડૂત શાના આવે ? તેઓને સેતાનની મજૂરી પેટને ખાતર કર્યાની હાજત ન હતી. કોઇ વેળા છોકરાંઓ સેતાનની પાસે પહોંચી જાય ને થોડાં બોર આપી સિક્કા રમવા સારુ લઇ આવે. બોરથી કંઇ સેતાનનું પેટ ન ભરાય. એટલે સેતાનને તો છતે નાણે ખાવાના સાંસા પડવા લાગ્યા.

તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો, ને તેણે મહોરો આપી ખાવાનું માગ્યું. સહુએ કહ્યું કે તેઓની પાસે રમકડાં પુષ્કળ હતાં, એટલે ન જોઇએ.