આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક ખેડૂતને ત્યાં જ્યાં તેને નીચેનો જવાબ મળ્યો: "ભાઇ, મારે તારી મહોરો તો ન જોઇએ, પણ જો તું ભૂખ્યો હોય તો ઇશ્વર પ્રીત્યર્થે તને ખાવાનું આપીએ."

ઇશ્વરનું નામ સાંભળતાં જ સેતાન નાઠો. ઇશ્વરનું નામ જ્યાં લેવાય ત્યાં સેતાન ઉભો પણ શાનો રહે? તો પછી ઇશ્વરને નામે કંઇ તે ખાવાનું લે?

સેતાન હવે મૂંઝાયો. પૈસા સિવાય બીજું તો તેની કને હોય શું ? કામનું તો નામ નહીં, જો મજૂરી કરીને પેટ ભરે એવી સ્થિતિ હોય તો પછી સેતાન કેમ ગણાય? હવે તે ગુસ્સે થયો ને બોલી ઊઠ્યો : "તમે લોકો જાનવરથી પણ ખરાબ છો. અક્કલના તો બારદાન લાગો છો. પૈસાથી આખું જગત લેવાય પણ તમને ગમે તેટલા પૈસા આપું છતાં અસર નથી."

લોકો બોલ્યા : અમે તારા પૈસાને શું કરીએ ? અમારે કરવેરા નથી ભરવા પડતા.

આમ સેતાન અનાજ વગર ભૂખે દિવસ ગુજારવા લાગ્યો.