આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે ચિરાઈ જાય છે. આ તો હાથમાં આંટણ પડે તેના કરતાં પણ ખરાબ કહેવાય. આવી રીતે કામ કરતાં તો માથા ઉપર મોટાં ઢીમણાં ઊઠશે."

મૂરખ તેની પાસે જ‌ઈ તેણે કેટલું કામ કર્યું તે તપાસવા જતો હતો. પણ સેતાન જેવો નીચે પડ્યો કે તુરત ધરતીમાં સમાઈ ગયો ને માત્ર તે જગાએ ખાડો જોવામાં આવ્યો.

મૂરખરાજ હવે સમજ્યો કે સેતાના પડ્યો તે કંઇ કરતાં નહીં, પણ તમરી ખાવાથી પછડાયો. તે બોલ્યો : "આ તો પેલા ગુલામ આવેલા તેનો બાપ જણાય છે."

આમ સેતાનનું મૂર્ખાની પાસે બળ ન ચાલ્યું. મૂરખરાજના રાજ્યમાં તો ઘણા સારા માણસો એકઠા થવા લાગ્યા. તેના બંને ભાઈ તેને શરણ આવ્યા. તેઓ મૂર્ખાની સાદી પણ ભવ્ય રહેણીનું રહસ્ય સમજ્યા. તેઓએ પણ તેવી સાદાઇ પકડી. તે સહુ નીતિધર્મ સાચવી, સત્યનું સેવન કરી, અંગમહેનત કરી, સુખેથી કાળ ગુજારવા લાગ્યા.