આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 


અલ કુર્તબી (મૃ. ઈ.સ. ૯૮૦)

ઉરેબ બિન અઅદ અલ કાતિબ અલ કુર્તબી સ્પેનના કોર્ડોબા શહેરમાં જન્મ્યો હતો. જન્મ વર્ષની માહિતી મળતી નથી પરંતુ દસમી સદીના પ્રારંભ જન્મ્યો હોવાનું મનાય છે. બુદ્ધિશાળી તબીબ, ચિંતક, ઇતિહાસકાર, લેખક અને કવિ હતો.

ઉરેબ કોર્ડોબામાં જન્મી ત્યાં જ ઉછેર પામ્યો અને મોટો થયો. ભણતર પૂરું કર્યા પછી પુસ્તકોના અભ્યાસમાં લીન રહેતો. વિવિધ સરકારી હોદાઓ ઉપર સેવાઓ આપી. ઈ.સ. માં ૯૪૩ અશોના પ્રાંતનો આમિલ (મામલતદાર) હતો.

ઉન્દલૂસ (સ્પેન) શિક્ષણ અને જ્ઞાનના પ્રકાશથી ઝળહળવા લાગ્યું હતું. અબ્દુલ રહેમાન અલ નાસિરનો શાસનકાળ હતો. ઈ. સ. ૯૦૨થી ૯૪૧ સુધી ચાળીસ વર્ષ એણે શાસન કર્યું. જેમાં દેશે ઘણી પ્રગતિ કરી. આવા સમયમાં ઉરેબ ઉમવી ખલીફા અલ હકમ દ્વિતીય (ઇ.સ. ૯૪૧ થી ૯૭૬)નો લહીયો હતો.

ઉરેબ બિન સઅદે તબીબી સંશોધનમાં એક ક્ષેત્ર પસંદ કરી એમાં જ નિપુણતા મેળવી. એણે ગર્ભ, પ્રસુતી અને બાળકો વિશે સંશોધન કર્યું. સુયાણીઓ વિશે વૈજ્ઞાનિક સંશોધનના આધારે ગ્રંથની રચના કરી જેનું નામ હતું 'કિતાબ ખલ્ક અલ જનીન વ તદબીર અલ હુબાલી વલ મોલુદ'. આને ખલીફા અલ હકમ સાની (દ્વિતીય)ને અર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રકારનો ગ્રંથ લખનાર એ સૌ પ્રથમ તબીબ ગણાય છે. ઉરેબના આ સંશોધનો અને નિપુણતાનો લોકોને ઘણો લાભ મળ્યો. અબ્દુલ રહેમાન અલ નાસિર ઉરેબને પોતાના દરબારમાં શાહી તબીબ તરીકે નિયુક્ત કર્યો હતો.

એણે વનસ્પતિશાસ્ત્રમાં પણ નિપુણતા મેળવી હતી અને આ સંબંધે એક ગ્રંથની રચના કરી હતી. જેમાં છોડવાઓ અને જડીબુટ્ટીઓ સંબંધિત અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું છે.

એક ઇતિહાસકાર તરીકે ઉરેબે અલ તબરીના પ્રસિદ્ધ ગ્રંથ સુલેહ તારીખ અલ તબરીનું વિવેચન લખ્યું અને હિ.સ. ૨૯૧ થી ૩૨૦ સુધીની ઘટનાઓનું વર્ણન કર્યું. જેનું પ્રકાશન થઈ ચુક્યું છે. ઉન્દલુસ (સ્પેન)ના ઇતિહાસમાં ઉરેબના આ ગ્રંથનું ઘણું મહત્વ છે.