આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૫૭
 


હુનૈન ઈબ્ને ઈસ્હાકે અનુવાદ ઉપરાંત પોતાના મૌલિક ગ્રંથોની રચના પણ કરી હતી. એણે રચેલા ગ્રંથોમાં 'ફી અવજા અલ માઈદહ' (પેટના રોગો વિશે) અલ મસાઈલ ફી તિબ્બ લીલ મુતઆલ્લીઝીન (તબીબી શાસ્ત્રના પ્રશ્નો વિદ્યાર્થીઓ માટે) નેત્ર વિજ્ઞાનમાં અલ અશર મકાલાત ફીલ ઐનમાં તબીબીશાસ્ત્રમાં વિશેષરૂપે આંખની બનાવટ એના રોગો વગેરે વિશે થીયરી અને પ્રેક્ટીકલ બંને ચર્ચાઓ કરી હતી. નેત્રવિજ્ઞાનમાં આ મહત્તવનું ગ્રંથ ગણાય છે.

હુનૈન અને એના સાથીઓ દ્વારા કરવામાં આવેલ અનુવાદને કારણે મધ્યયુગમાં અરબી ગણિત, વિજ્ઞાન અને તબીબી શાસ્ત્રમાં ભારે પ્રગતિ થઈ. અરબી ભાષામાંથી યુરોપની લેટીન અને પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ થવાને લીધે જગતે પુનઃજાગૃતિ કાળમાં વિજ્ઞાન ક્ષેત્રે ઐતિહાસિક પ્રગતિ કરી. ઘણા અરબી ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો પણ ખલીફા મામૂન, હુનૈન ઈબ્ને ઈશ્હાક અને એના સાથીદારોનું ઋણ માનતા હતા. આ અનુવાદોને લીધે પણ એમને ઘણી સરળતા થઈ હતી. વિશ્વ પણ હુનૈન અને એના સાથીદારોનું સદા ઋણી રહેશે.