આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
અલ નૈરેઝી, અબૂલ અબ્બાસ અલ ફઝલ ઈબ્ને હાતિમ
(આ. ૮૯૭, મૃ.આ. ૯૨૨), ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી

અબૂલ અબ્બાસ અલ નૈરેઝી ઈરાનના શિરાઝ શહેરના દક્ષિણપૂર્વમાં આવેલા નવરોઝ નગરના રહેવાસી હતા. કેટલોક સમય બગદાદમાં પણ રહ્યા, જ્યાં અબ્બાસી ખલીફા મુ'તદીદ (૮૯૨ - ૯૦૨)ના દરબારમાં સેવા આપી અને ખલીફા માટે હવામાનશાસ્ત્ર બાબતે પ્રબંધગ્રંથ 'રિસાલા ફી અહદાત અલ જવ્વ'ની રચના કરી. બીજી એક રચના વસ્તુઓના અંતર માપવા માટેના સાધનવિશે પણ કરી છે.

દસમી સદીના bibliographer ઇબ્ને અલ નદીમે અલ નૈરેઝીને પ્રતિભાશાળી ખગોળ શાસ્ત્રી ગણ્યા છે. ઇબ્ને અલ કિફતીએ અલ નૈરેઝીને ભૂમિતિ અને ખગોળમાં આગળ પડતા ગણાવ્યા છે. તો ઈજીપ્શીયન ખગોળશાસ્ત્રી ઇબ્ને યુનુસ (મૃ. ૧૦0૯) અલ નૈરેઝીના ખગોળ વિશેના કેટલાક મંતવ્યો સાથે અસહમત હોવા છતાં એક 'સંપૂર્ણ ભૂમિતિશાસ્ત્રી' તરીકે માન આપ્યું હતું.

અલ નદીમ અને કિફતીના જણાવ્યા મુજબ અલ નૈરેઝીએ ૮ ગ્રંથોની રચના કરી હતી, જેમાં ટૉલેમીના 'અલ માજેસ્ત' અને 'ટેટ્રાબિબ્લોસ' વિશે વિવેચન છે. અને બે ખગોળીય કોષ્ટકો (ઝિજ) છે.

અલ નૈરેઝીને ખ્યાતિ મળી યુક્લિડના 'તત્વો'ના વિવેચનથી, ક્રેમોનોના જેરાર્ડે આનું લેટીન ભાષામાં અનુવાદ કર્યું હતું. અલ નૈરેઝીએ 'રિસાલા ફી સમ્તઅલ કિબ્લા' (કિબ્લાની દિશા બાબતે પ્રબંધ)માં દર્શાવ્યું છે કે એમને tangent વિશે જાણકારી હતી અને એમાં એમણે એનો ઉપયોગ પણ કર્યો છે.

અલ નૈરેઝીએ વર્તુળાકાર એસ્ટ્રોલેબની બનાવટ અને ઉપયોગ વિશે ભાગમાં રચના કરી છે, જેને અરબી ભાષામાં આ વિષયનું સંપૂર્ણ પ્રબંધ માનવામાં આવે છે.