આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૪૩
 

એમણે પોતે જણાવ્યા મુજબ લગભગ ૩૪ પુસ્તકો લખ્યા હતા એમાંથી હાલમાં માત્ર ૩ જ ઉપલબ્ધ છે. 'અખબાર અલ ઝમાન’ પછી ‘કિતાબ અલ અવસત’ આનું સંક્ષીપ્ત પુરવણીરૂપે છે, જે ક્રોનોલોજિકલ (ક્રમાનુસાર) ઇતિહાસ છે.

અલ મુરૂજ ગ્રંથથી તેઓ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા અને એમની ગણના આગેવાન ઇતિહાસકારોમાં થવા લાગી. ૧૪મી સદીના મહાન ઈતિહાસકાર ઇબ્ને ખલ્દૂને અલ મસૂદીને ઇતિહાસકારોના 'ઈમામ' (આગેવાન) તરીકેની ગણના પોતાના પ્રસિદ્ધ ગ્રંથ 'મુકદમા'માં કરી છે. ઇતિહાસકાર મેક્સ મેયરહોફ તો મસૂદીને 'આરબોના પ્લીની' તરીકે ઓળખાવે છે. વિલડુરાં મસૂદીને 'મુસ્લિમ વિશ્વનો પ્લીની અને હેરોડોટસ' માને છે. એટલું જ નહી મુસ્લિમ ઇતિહાસકારોથી પ્રભાવિત થઈને વીલડુરાં 'ધ એઈ જ ઓફ ફેઈથ'માં લખે છે કે "તેઓ અર્વાચીન ખ્રિસ્તી ઇતિહાસકારોથી પણ ચઢિયાતા હતા.”

કેટલાંક વિદ્વાનો વિશ્વપ્રસિદ્ધ અરેબિયન નાઈટસ ના લેખક તરીકે અલ મસૂદીને ગણાવે છે, જેનો સૌ પ્રથમ અનુવાદ ફ્રેંચ ભાષામાં કરવામાં આવ્યો હતો અને એ પછી સમગ્ર યુરોપની પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ થયા.

ઈ.સ. ૯૫૭માં જીવનના આખરી વર્ષમાં એમણે છેલ્લું પુસ્તક 'કિતાબ અલ તસ્બીહ વલ ઈશરાફ' ઈજીપ્તમાં રહીને લખ્યું, જે આગલા ગ્રંથોનો સાર અને ભૂલોની સુધારણા છે.

અલ મસૂદીએ વૈજ્ઞાનિક અને પૃથ્થકરણીય ઢબે ઇ.સ. ૯૫૫માં થયેલ ભૂંકપ વિશે ચર્ચા કરી છે. આ ઉપરાંત એમણે રાતા સમુદ્રના પાણીની અને બીજા ભૂગોળ સંબંધી પ્રશ્નોની છણાવટ પણ કરી છે. તેઓ પ્રથમ લેખક હતા જેણે 'પવનચક્કી'નો ઉલ્લેખ કર્યો હતો, જે સીજીસ્તાનના મુસ્લિમોએ શોધી હતી.

મસૂદીએ સંગીત અને વિજ્ઞાન ક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન કર્યું હતું. પોતાના ગ્રંથ 'મુરૂજ અલ ઝહબ'માં પ્રારંભિક અરબી સંગીતની તથા બીજા દેશોના સંગીત વિશે રસપ્રદ માહિતી આપી છે.

સૌથી મહત્વની વાત છે કે અલ મસૂદીએ જે કાંઈપણ લખ્યું છે નોધ્યું તે વૈજ્ઞાનિક ઢબે નોંધ્યું. આ વાતપણ રસપ્રદ થઈ પડશે કે તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતા જેણે ઉત્ક્રાંતિના વિવિધ મુદ્દાઓનું ખનીજોથી છોડ, છોડથી પ્રાણીઓ અને પ્રાણીઓથી માનવી સુધીનું રસપ્રદ વર્ણન કર્યું છે.