આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૫૯
 

દળદાર ગ્રંથ મધ્યયુગીન સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે: જે એના કર્તાની વિદ્વતા અને પાંડીતીય ક્ષમતાઓનો પુરાવો આપે છે. આ ગ્રંથ ઘણા વર્ષો સુધી અભ્યાસક્રમમાં પણ ભણાવવામાં આવતું રહ્યું અને આની સંક્ષિપ્ત આવૃત્તિઓ પણ પ્રકાશિત થતી રહી. ગ્રંથનું શીર્ષક જ સૂચવે છે કે અંકગણિત દરેક પ્રશ્ન કે કોયડાના ઉકેલની 'ચાવી' છે જેને ગણતરી માટે ટૂંકાવી શકાય છે. અલકાશી અંકગણિતની વ્યાખ્યા આપતા જણાવે છે 'ગણિતિક અજ્ઞાતોને જ્ઞાત સંખ્યાઓની મદદથી શોધવાની પદ્ધતિના વિજ્ઞાનને અંકગણિત કહેવામાં આવે છે.'

અલ કાશીએ ‘મિફતાહ અલ હિસાબ' અને 'ખાકાની જિઝ' પોતાના આશ્રયદાતા ઊલૂગબેગને અર્પણ કર્યાં છે. અલકાશીએ પોતાના પિતાને એક પત્રમાં સમરકંદનું વૈજ્ઞાનિક જીવન, વેધશાળા અને ઊલૂગબેગની વૈજ્ઞાનિક તથા ગણિતશાસ્ત્રી તરીકે ભરપૂર પ્રશંસા કરતા વર્ણનો લખ્યાં છે. ઊલૂગ બેગના દરબારના ૬૦ વિજ્ઞાનીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. ઉલૂગબેગ વિજ્ઞાનીઓ સાથે ચર્ચા વિચારણા અને ગોષ્ઠીઓ કરતો અને ઘણા પ્રશ્નોના ઉકેલ સૂચવતો. સામે પક્ષે ઊલૂગબેગ પણ અલકાશીને ખૂબ માનથી જોતો. પોતાના પ્રબંધ ‘જિઝ'માં ઊલૂગબેગે અલ કાશી માટે આ શબ્દોમાં વર્ણન કર્યું છે. "અદ્વિતીય વિજ્ઞાની, વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાનીઓમાંથી એક કે જેણે પ્રાચીન વિદ્યાઓ ઉપર સંપૂર્ણ કાબૂ હતો, જેણે વિજ્ઞાનના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું અને જે ઘણા જટીલ પ્રશ્નોને સરળતાથી ઉકેલે છે." ત્રિકોણમિતિમાં અલકાશીના યોગદાન બદલ ફ્રેંચ ભાષામાં cosine નિયમને 'થિયરમ ડી અલ કાશી' તરીકે ઓળખી અલકાશીને માન આપવામાં આવ્યું છે. આ મહાન ગણિતશાસ્ત્રીનું ઈ.સ. ૧૪૨૯માં સમરકંદ (ઉઝબેકિસ્તાન)માં અવસાન થયું.