આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

પ્રભાવ પાડ્યો હતો. એમણે એરીસ્ટોટલના ૩૯ ગ્રંથોના વિવેચનો લખ્યા. આમાં સૌથી સંક્ષિપ્ત પુસ્તક 'જામી' ને આ વિષયનો સારાંશ કહી શકાય મધ્યમ 'તખ્લીસ' અને સૌથી લાંબી 'તફસીર' આ સૌથી લાંબા વિવેચનમાં એમનું મૂળભૂત યોગદાન છે કારણ કે આમાં એમના પોતાના પૃથ્થકરણો તથા કુર્આનની વિભાવનાઓની સમજણ આપવામાં આવી છે.

ઈબ્ને રુશ્દે આધ્યાત્મિકતા વિશે ઘણા પુસ્તકો લખ્યા જેમાં એમણે પોતાની ફિલસૂફી અને તર્કશાસ્ત્રનાં જ્ઞાનનો ઉપયોગ કર્યો. આમાં કોઈ આશ્ચર્ય નથી કે યુરોપના ધર્મગુરૂઓ એમનાથી પ્રભાવિત થયા વિના રહી ન શક્યા. પ્રોફેસર બેમેટે એમનું પુસ્તક 'Muslim Contribution to Civilization' માં ફ્રેંચ ફિલસૂફ રેનાન ને ટાંકતા લખ્યું છે કે "સંત થોમસ એક્વિનાસ મહાન વિવેચક (ઈન્ને રુશ્દ)ના પ્રથમ શિષ્ય હતા. સંત થોમસ પ્રાયોગિક રીતે બધી બાબતો માટે ઈબ્ને રુશ્દના ઋણી છે." પ્રોફેસર આગળ લખે છે કે "રેવરન્ડ ફાધર આસીન પાલાસીઓસ (Asin Palacios)એ સંત થોમસ એક્વિનાસ અને ઈબ્ને રુશ્દના આધ્યાત્મિક લખાણોનું ઊંડું અધ્યયન કરીને બન્નેની સરખામણી કરી તો જાણવા મળ્યું કે કેથોલિક આધ્યાત્મશાસ્ત્રીઓમાં સૌથી મહાન એવા સંત થોમસ અને મુસ્લિમ આધ્યાત્માશાસ્ત્રી ઈબ્ને રુશ્દની અભિવ્યક્તિમાં લગીરે ફેર ન હતો." આ જ સૂચવે છે કે સંત થોમસ ઉપર ઈબ્ને રુશ્દનો કેટલો પ્રભાવ હતો !

તબીબી ક્ષેત્રે ઈબ્ને રુશ્દે પ્રસિદ્ધ પુસ્તક 'કિતાબ અલ કુલ્લિયાત ફી અલ તિબ્બા' ૧૧૬રની પહેલાં લખ્યું હતું. આનું લેટીન અનુવાદ 'કોલિજેટ' (colliget) તરીકે ઓળખાય છે. આમાં ઈબ્ને રુશ્દે તબીબી શાસ્ત્રનાં વિવિધ પાસાઓની મહાન ચર્ચા કરી છે, જેમાં નિદાન, ઈલાજ અને રોગોથી બચવા અને સંભાળ લેવાનો સમાવેશ થાય છે. આમાં કેટલીક બાબતોમાં ઈબ્ને સીનાના 'અલ કાનૂન' ગ્રંથમાં સૂચવાયેલી, બાબતો સાથે સરખામણી કરવામાં આવી છે, જો કે આમાં ઇબ્ને રુશ્દનાં મૌલિક સંશોધનો અને અવલોકનોનો પણ સમાવેશ થાય છે.

ખગોળશાસ્ત્રમાં ગોળાની ગતિ બાબતે પ્રબંધ ‘કિતાબ ફી હરકત અલ ફલક'ની રચના કરી છે. ડ્રેપરના મત મુજબ સૂર્ય કલંકો (sunspots)ના શોધક ઈબ્ને રુશ્દને માનવામાં આવે છે. ઈબ્ને રુશ્દે 'અલમાજેસી’ નો સારાંશ પણ રજૂ કર્યો અને બે વિભાગમાં વહેંચી નાંખ્યા. ગોળાના વર્ણનો અને ગોળાની ગતિ. આ સારાંશનો અરબીમાંથી હિબ્રૂ ભાષામાં જેકોબ એનાતોલીએ ઈ.સ. ૧૨૩૧માં અનુવાદ કર્યું.