આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

સંતોષ પમાડવાની શોધ અથવા જે નિરવધિ અને અનંત શક્તિના આવિર્ભાવ રૂપે આ જગતની પ્રવૃત્તિ થયાં જાય છે તેને ગૃહણ કરવાની આકાંક્ષા એમ પણ કહે છે. આથી પણ ઉપરાંત કેટલાક આપણા શાસ્ત્રવાળા ધર્મને પરમ પુરુષાર્થ અથવા મોક્ષ એવા નામથી વર્ણવે છે. કોઈ એવા પણ છે કે ખાવું, પીવું, આનંદ કરવો ને જીવ્યાં જવું એ જ ધર્મ એમ સમજે છે. પણ આ બધી તકરારોની સારાસારતા નક્કી કરવાનું આપણું કામ નથી. આ વિષય અત્રે કહેવાની જરૂર એટલી જ છે કે ધર્મ શબ્દ વડે કરીને અમે શું કહેવા ઇચ્છીએ છીએ તે જણાય.

ધર્મ શબ્દનો ઉપર કહ્યાં તે સર્વ લક્ષણને વિષે એક વાત તો સર્વને સાધારણ જ છે. ધર્મ એટલે પ્રવૃત્તિનું નિમિત્ત, આમ જ કહીએ તો એ લક્ષણની અંદર આગળ જણાવેલા સર્વે લક્ષણોનો સમાવેશ થાય. પ્રત્યેક પ્રવૃત્તિનું મુખ્ય નિમિત્ત તે તે પ્રવૃત્તિનું ફલ એ જ હોવું જોઈએ. તો હવે આપણે ધર્મની સર્વતંત્ર વ્યાખ્યા કરી શકીશું. ધર્મ એટલે પ્રવૃત્તિપ્રવર્તક (અંતિમ ફલ અથવા આપણાં કૃત્યોનો આખરનો પરિણામ). આપણે ગમે તે કર્મ કરવું, ગમે તે જ્ઞાન પામવું તે સર્વ કોઈ અમુક ફલને માટે જ. આખા વિશ્વમાં અણુ માત્ર એક નિમિષવારે અપ્રવૃત્ત રહી શકતું નથી. તો તે સર્વ પ્રવૃત્તિ સહેતુક – એટલે સફલ પણ હોવી જોઈએ. આમ વિચાર કરતાં પ્રવૃત્તિના ઘણા પ્રકારમાંથી અમુક પ્રકાર સારો ને અમુક નઠારો એ તે તે પ્રવૃત્તિના પ્રવર્તક ફલની સારાસારતા ઉપર આધાર રાખે છે. આટલા માટે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિના હેતુરૂપ ભિન્ન ભિન્ન ફલ, તેમાંનું કયું સારું ને કીયું નહિ એ નિશ્ચય કરવા તે જ ધર્મનું કર્તવ્ય ઠરે છે.

બીજી રીતે તપાસ કરીએ તો પણ પરિણામ આનો આ જ આવશે. આચાર, નીતિ, વ્યવહાર સારાં, સદ્, શુદ્ધ, શુભ રાખવાં એમ વારંવાર કહીએ છીએ, પણ સારાપણું, સત્તા, શુદ્ધતા કે શુભપણું એનું નિયામક કોણ ? આચાર, નીતિ એ સર્વે પ્રવૃત્તિ જ છે. પ્રવૃત્તિમાં અમુક પ્રવૃત્તિ સારી એ ઠરે શી રીતે ? તે પ્રવૃત્તિના ફલ તરફ લક્ષ રાખીને જ. ફલની સારાસારતાનો નિશ્ચય કરવાનું કામ ધર્મનું છે. માટે જો ધર્મજ્ઞાન નિશ્ચિત અને દ્રઢ હોય તો જ નીતિ, રીતિ ને વ્યવહાર શુદ્ધ થવાનાં, નહિ તો નહિ.

ધર્મનું લક્ષણ ઠરાવ્યા પછી હવે જોવું જોઈએ કે કયો ધર્મ–કીયું ફલ–તે સ્વીકારવા જેવું છે, ને કીધું નથી. આ પ્રશ્નના સંબંધમાં અમે આગળ લખ્યું