આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૨૩
 

સામાન્ય રીતે નિયમો બતાવી દેવામાં અમારો ઉદ્દેશ એટલો જ છે કે અમે જેવું વર્ણન કર્યું છે તેવી સ્ત્રીજાતિ કોઈના દીઠામાં ન આવી હોય તો તેને તે કેમ નથી આવી તેનું કારણ (જણાવી તે કેળવણીનો અભાવ) સ્પષ્ટ જણાઈ આવે, તથા આ પ્રકારની શિક્ષણપદ્ધતિથી જરૂર તેવા પ્રકારનો સ્ત્રીવર્ગ નીવડી આવે એમ પણ ખાત્રી થઈ શકે. આમ લખવાથી એમ ન સમજવું કે સ્ત્રીજાતિ સ્વભાવથી જ અમે વર્ણવી છે તેવી નથી. અને આવી કેળવણીથી જ અમે તેને તેવી કરવા ઇચ્છીએ છીએ. તેનો જાતિસ્વભાવ આજકાલ ક્રમમાં દબાઈ રહ્યો છે, અને તે સ્વભાવને અનુકૂલ એવી કેળવણી જ જરૂરની છે. એટલે અમારો સિદ્ધાંત તો નિર્વિવાદ જ છે, પરંતુ "બાલકમાંથી જ માણસ થાય છે” એ લક્ષમાં રાખતાં સમજી શકાશે કે હાલ મળે છે તેવી કેળવણી પામેલી બાલકીઓ પ્રેમમૂર્તિરૂપ—માતાઓ કે પત્નીઓ નીવડે કે નહિ.

શિક્ષાપદ્ધતિના આ ધોરણ પ્રમાણે તૈયાર થયેલી આપણી આનંદમૂર્તિ બાલાઓના પ્રેમને અનુરૂપ લગ્નવિધિ કેવો જોઈએ તથા તે બાલાઓ પોતાના વૈધવ્યમાં આવી પડેલી નિર્ભાગી સખીઓને કેવી દૃષ્ટિથી જોશે એ બાબતનો વિચાર કરી આ વિષય સમાપ્ત કરીશું.

આવી રીતે કેળવાયેલી બાલકીઓનાં પોતાના જેવી જ કેળવણી લીધેલા પુરુષો સાથે લગ્ન થવાં જોઈએ. જે પરમ ફલને માટે મનુષ્ય માત્ર મહેનત કરે છે તે ફલ પ્રાપ્ત કરવાને માર્ગે ચઢવાનો વખત હવે આવે છે. આ માર્ગમાં સ્ત્રી નિર્વિઘ્ને ચાલી એ પરમપદને પહોંચે એને માટે પરિણયનસ્થિતિસ્વરૂપનું ફરીથી ટૂંકામાં સ્મરણ કરી જોવું જોઈએ. ઇતરેતર પ્રેમભાવને પૂર્ણ કરી પારકાને પોતાનું કરવાની કેળવણી લેતાં લેતાં પારલૌકિક પદ પામવા માટેનો, ને ભૂતમાત્રને પોતાના સમાન ગણવાનો હૃદયવિસ્તાર તે મેળવવો, એ પરિણયનની સ્થિતિ છે. આ સ્થિતિમાં રહી પોતાનો, ઇતરેતરોપકારધર્મ યથાર્થ રીતે પાળવા માટે કાંઈ નિયમ હશે કે નહિ ? પુરુષોની પાત્રાપાત્રતાનો વિચાર વેગળો રાખી પ્રકૃત વિષયાનુસાર સ્ત્રીમાત્રનો જ વ્યવહાર જોઈએ. સ્ત્રીઓને લગ્ન કરવામાં ત્રણ વાત ઉપર લક્ષ આપવાનું છે. વય, જ્ઞાન, ઇચ્છા. તે પોતાનાં અને પારકાનાં. પ્રથમ વયનો વિચાર કરીએ. શારીર શાસ્ત્રના નિયમ પ્રમાણે પુરુષના શરીરનું બંધારણ ૨૫ વર્ષ અને સ્ત્રીના શરીરનું બંધારણ ૧૬ વર્ષે પાકું થાય છે. આ વય થતા સુધી મનુષ્યના શરીરમાં જે લોહીનો સમૂહ છે તે મુખ્યત્વે કરીને શરીરનાં હાડ વગેરેના ઉપચયમાં