આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૨૫
 

કોઈ વૃક્ષને કૃત્રિમ ગરમી વગેરે આપી આપીને તથા કાચના ઘર વગેરેમાં પૂરીને તેને ઋતુ થતા પહેલાં પણ ફલવાન બનાવે છે તેવો આ પ્રસંગ છે. જેમ એમ પેદા કરેલા ફલમાં તે જ જાતિના નિયમિત રીતે પેદા થયેલા ફલ જેટલી મીઠાશ કે કૌવત હોતાં નથી તેમ જ આ રીતે થયેલા બાલકનું પણ સમજવું. કૃત્રિમ ગરમી ઇત્યાદિક જેમ ફલ પેદા કરવામાં સહાયભૂત છે તેમ આ અનિયમિત બાલક પેદા કરવામાં સંગતિબલ સહાયકારક છે એમ સમજાય છે. સંગતિના બલથી વિશ્વમાં બહુ બહુ ચમત્કાર થાય છે. માબાપની કુચેષ્ટા, સખી સ્વજનની કુચેષ્ટા, વૃદ્ધજનની પૌત્રને જોવાની ઉત્કંઠા ઇત્યાદિ કારણોથી સુશિક્ષણ ન પામ્યાથી ગમે તેમ વળી જવા તત્પર રહેલું મન ઉશ્કેરાય છે; ને તે ઉશ્કેરાયેલા મન દ્વારા શરીરની ઇંદ્રિયો ઋતુ થતા પહેલાં પણ બલ કરી ઊઠે છે. આટલા સારુ સુસંગતિ અને સદબોધની અપેક્ષા છે, તો હવે આ કુમાર્ગ તથા બલાત્કારને અટકાવનારું જે જ્ઞાન તેનો વિચાર કરીએ.

સ્ત્રીશિક્ષણના જે ધોરી નિયમની આગળ સૂચના કરેલી છે તે નિયમાનુસાર પ્રાપ્ત કરેલું જ્ઞાન સ્ત્રીઓને પોતાના કર્તવ્યમાં–પત્નીધર્મ, માતૃધર્મ ઇત્યાદિકમાં કેટલું અગત્યનું છે એ પણ તે જ ઠેકાણે બતાવેલું છે. અત્રે વિશેષમાં એટલું કહેવાની જરૂર છે કે સારા મનવાળી અને કેળવાયેલી સબલ સ્ત્રીઓના ઉપર પ્રજાના, વિશેષે પુત્ર પ્રજાના, શારીરિક અને માનસિક બલનો આધાર છે એમ ડાક્ટર બોવીડોડ નામના પ્રખ્યાત અમેરિકન વિદ્વાનનો અભિપ્રાય છે. પુત્રાદિકની મુખ્ય કેળવણીનો આધાર તેમની મા ઉપર રહે છે એ લક્ષમાં લેતાં આ અભિપ્રાય બહુ રીતે ખરો લાગે છે. આ ઉપરાંત વળી પોતાના પતિ સાથે પ્રેમસુખનો અનુભવ કરી પરમપદ પામવાને, જ્ઞાન એ જ એક માર્ગ છે. આ પ્રમાણે સ્ત્રીઓને જે જ્ઞાનની અગત્ય છે તે જણાવી તેના પતિનામાં કેવું જ્ઞાન જોઈએ તેની અત્રે સૂચના માત્ર કરવી જોઈએ. પતિનામાં જે જ્ઞાનની પ્રથમ અપેક્ષા રહે છે તે એ કે જેથી કરીને પોતાની તથા પોતાના કુટુંબની શરીરયાત્રા નિભાવી શકે. એ તો માત્ર સામાન્ય જ્ઞાન થયું. પણ આ સંસારમાં સુખદુઃખમાં ને નિરાશાના નિર્વેદમાં શાથી કરી ટકી રહેવાય ? આ વિચાર કરતાં એમ જ ભાસે છે કે જેમ જેનું જ્ઞાન વધારે તેમ તેને અધિક સંતોષ, અધિક નીતિ, અધિક સુખ ને અધિક ધર્મવિચાર. આટલા સારુ પોતાનો પતિ પણ પરિપૂર્ણ જ્ઞાનવાન હોવો જોઈએ એ સિદ્ધ વાત છે.