આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

માટે જરૂર છે, તથા પરણવાથી શું ફલ પ્રાપ્ત થાય છે એ વિચારનું યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી શિક્ષણ દ્વારા તથા વિચાર દ્વારા સમજાયું નથી ત્યાં સુધી આપણા સ્ત્રીવર્ગની અને તેથી કરી આખા મંડલની સ્થિતિ પણ મલિન અને અપરિપક્વ જ રહેવાની.

કોઈ વિદ્વાન કહે છે કે “ખાવું, ઊંઘવું, ભય પામવો, ને પ્રજોત્પત્તિને માટે જરૂરનાં કર્મ કરવાં એ તો માણસ અને પશુ ઉભયને સમાન છે. પણ તે બે વચ્ચે ભેદ ઉત્પન્ન કરનાર ધર્મ માત્ર જ છે ને તેથી જ માણસ પશુ બરાબર નથી.” આ ધર્મનું સ્વરૂપ વારંવાર સ્પષ્ટ કરીને બતાવવામાં આવેલું જ છે. તથાપિ વળી કાંઈક આ લગ્ન સંબંધમાં પણ જણાવવાની જરૂર રહે છે. ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં – ધર્મ (શાસ્ત્રોક્તાચાર), અર્થ, કામ – પ્રાપ્ત કરતાં અંતે પ્રતિમનુષ્યે એવી અવસ્થાએ પહોંચવું જોઈએ, જેમાં દુઃખનો સંભવ પણ ન હોય અને જે આનંદમય, અબાધ અને નિત્ય હોય (મોક્ષ). આવી સ્થિતિએ પહોંચેલો માણસ પોતાની અને સ્વાતિરિક્ત જગતની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ જોઈ શકતો નથી. આમ છે ત્યારે એટલું જ સિદ્ધ થયું કે તેને દ્વૈતભાવ વિના જ સ્વપૂર્ણ અખંડ આનંદમય પ્રેમ નિરંતર રહે છે. આ અવસ્થા કે સ્થાન કે તે જે કંઈ હોય તે પ્રાપ્ત કરવા યોગ્ય છે, તથા તેમાં જ સર્વ ધર્મકર્મનું પર્યવસાન હોવું જોઈએ. લગ્ન અથવા પરણવાનું જે મહત્ કર્મ તે આજ ફલને પહોંચાડનારું છે કે નહિ તે સમજવું જોઈએ. બે મનુષ્યનો યોગ પ્રજા ઉત્પન્ન કરવા માટે અથવા એકનું રક્ષણ બીજાએ કરવું એટલા માટે જ થાય છે એમ કહેવાય નહિ, સંસારમાં સુખનું સ્વરૂપ તપાસી જોઈશું તો, પ્રેમાંશથી રહિત કેવલ ઉપજીવિકા માટેનાં જ, કે પ્રજોત્પત્તિ માટેનાં કર્મ નીરસ છે એટલું જ નહિ પણ સુખ આપવા કરતાં દુઃખ–ક્લેષ—નિર્વેદ પેદા કરવાવાળાં છે. જે અંશ વડે કરીને અમુક કર્મ આનંદ ઉપજાવે છે તે અંશ – સતું. ચિત્, આનંદ, – પ્રેમમય જ છે. વળી માણસ જાતે એકલું જ હોય તો તેને ઝાઝી શ્રમ કરવાની જરૂર પડતી નથી; તેમજ એકદમ એકલાએ જ પ્રેમમય આનંદનો અનુભવ બની શકતો નથી. ત્યારે બીજા માણસ સાથે સંબંધ કરી વિશેષ શ્રમ વગેરે ઉઠાવવો કબૂલ કરી માણસ શા માટે બંધાય છે ? ઉપજીવિકા માટે કે કેવલ પશુધર્મ પાલવા માટે ? એમ જ હોય તો તે જાતે એકલું રહી વધારે સહેલાઈથી પાળી શકત; પોતાના સ્વભાવની વૃત્તિઓને–પશુવૃત્તિઓને પણ–વધારે સહેલાઈથી સંતોષ પમાડી શકત. પણ