આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૨૯
 

તેના અંતરની પ્રબલ ધર્મ-પ્રેમ–વૃત્તિ તે જ સંતોષ પામત નહિ ને તેથી તે દુઃખી રહેત. એ વૃત્તિના સંતોષ માટે ને એ વૃત્તિની પરિપૂર્ણતા માટે જ માણસમાણસનો યોગ થાય છે ને સંભવે છે. આ પ્રેમાંશ દૃઢ થતે થતે મોક્ષ પર્યંત અદ્વિતીય આનંદરૂપ બને એ સર્વ કર્મનું અને મુખ્ય કરીને લગ્નકાર્યનું પર્યવસાન. સિદ્ધાંત એ જ કે પ્રેમ એ જ પરણવામાં મુખ્ય નિયમ, ને તે સચવાય તથા આગળ પણ યથાર્થ ચાલુ રહે એમ કરવા માટે, જ્ઞાન, વય, ઇચ્છા ઇત્યાદિકના વિચારની જરૂ૨. શાસ્ત્રમાં (આપસ્તંબગૃહ્યસૂત્રમાં) પણ પ્રસિદ્ધ નિયમ છે કે यस्यां मनुश्चक्षुषोऽनुरागस्तस्यामृद्धि: જેના ઉપર મન અને ચક્ષુ ઉભય ઠરે તેવી કાન્તાને જ પરણવું. આમાં પણ મન એટલે મનોધર્મ–પ્રેમાદિક–નું મલતાપણું એ પ્રથમ માન્યું છે માટે સિદ્ધ પક્ષ એ જ છે કે પ્રેમ એ જ લગ્નનું ખરું નિયામક છે.

વળી શાસ્ત્રમાં ચાર આશ્રમ પ્રસિદ્ધ છે. તેમાં બ્રહ્મચર્યની સીમા ૨૫ વર્ષની છે ને તે પછી ગૃહસ્થાશ્રમનો આરંભ થાય છે. માણસ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી સારાસાર ગ્રહણ કરવાને તથા પ્રેમનું સ્વરૂપ સમજવાને તત્પર થાય એટલા માટે, તથા મોટી વયે લગ્ન થવાથી પ્રજોત્પત્તિ સબલ, બુદ્ધિમાન, અને દીર્ધાયુ થાય તે માટે તથા મોટી વયે પ્રેમપૂર્વક લગ્ન થયાનું સુખ અનુભવ્યા પછી વૈધવ્યનો અથવા ફરી લગ્ન કરવાની ઇચ્છા માત્રનો પણ પ્રસંગ ન આવે એટલા માટે પણ બ્રહ્મચર્યઅવસ્થાની સીમા ઘણા વિચારપૂર્વક રાખેલી છે. આ બ્રહ્મચર્યમાંથી છૂટી ગુરુજનોની સંમતિથી લગ્ન કરી ગૃહસ્થાશ્રમનો આરંભ થાય છે. ગૃહસ્થાશ્રમની સીમા પણ બીજાં ૨૪ વર્ષ સુધીની જાણવા પ્રમાણે છે. આ કાલમાં સ્ત્રીપુરુષ પોતાની પ્રેમવૃત્તિને એવી સબલ કરી લે છે કે સંસારના વિકાર પમાડનાર પદાર્થોનો ઉપભોગ કરી કરી ત્યાગ કરતે કરતે કેવલ આનંદવૃત્તિ જ અવશિષ્ટ રહે છે, ને તે ચિદાનંદ ધીમે ધીમે દઢતા ગ્રહણ કરી વાનપ્રસ્થ તથા સંન્યાસ – ઇચ્છાપૂર્વક કર્મનો ત્યાગ–નો રસ્તો તૈયાર કરે છે. આમ ન થાય તો કામ્યકર્મના ત્યાગરૂપ, તથા કેવલ आत्मवत् सर्वभूतेषु વ્યવહાર કરાવનાર પરમ પદ યથાર્થ પામી નહિ જ શકાય એમ ધારી એમ પણ નિયમ જાણવામાં છે કે ગૃહસ્થાશ્રમ કર્યા વિના વાનપ્રસ્થાદિક ગ્રહણ કરવા યોગ્ય નથી. આ સર્વ વિચાર સૂક્ષ્મદ્રષ્ટિથી ધ્યાનમાં લેતાં લગ્ન કરવાનું શુદ્ધ પારમાર્થિક સ્વરૂપ આપણા ધ્યાનમાં ઊતરી શકે છે.