આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 


હવે સ્ત્રીઓની માતા તરીકેની મહત્તા અને ધર્મ તપાસીએ. “નીતિના ધર્મ અને સાદા નિયમો મનમાં ઠસાવવાની સ્ત્રીઓની વિશેષ બુદ્ધિ દરેક વિદ્વાન પુરુષે વખાણેલી છે. સ્ત્રીનું રસેન્દ્રિય પુરુષ કરતાં વિશેષ બલવાળું હોવાથી તે સામાનામાં રસેન્દ્રિયનું બલ જલદી પેદા કરી શકે છે....... ધર્મ અને નીતિની બાબતમાં એવું છે કે માણસના મનમાં જે વિચારો પ્રથમથી અસ્તવ્યસ્ત ગબડ્યાં કરતા હોય તેને પાછળની કેળવણી વધારે શાસ્ત્રીય આકારમાં ગોઠવી દે છે. આટલા માટે રસેન્દ્રિયને સર્વથી પહેલાં કેળવવું જોઈએ. અને શાસ્ત્રીય કેળવણી આપવા માંડતા પહેલાં પ્રત્યેક રસેન્દ્રિયને સ્વતંત્ર સ્કૂર્તિ આપવી જોઈએ. આવી રીતે રસેન્દ્રિયને પ્રથમથી ખિલવવાનું કામ સ્ત્રીઓનું છે. નાની નાની બાબતોમાં બાળકને યથાર્થ માર્ગે ચલાવવાની ટેવ પાડવાથી આ જગતના વ્યવહાર બળે તેના મનમાં સ્વાર્થ ને પરમાર્થની જે ભારે ગરબડ ચાલનાર છે, તેમાં સત્ય પક્ષે ઊતરવાનું તે શીખે છે. આવી બાબતોમાં સારામાં સારો શિક્ષક પણ સારી માતાના કરતાં ઊતરતો છે. રીતસર શિક્ષણ આપ્યા વિના માતા દરેક નાના મોટા પ્રસંગે પોતાના બાળકને ઉદારતાનો આનંદ, અને સ્વાર્થબુદ્ધિના સંકોચનો શોક નિરંતર સમજાવ્યાં જ જશે. આ પ્રમાણેની માતાની સત્તા વિચારતાં આપણે સ્વાભાવિક રીતે સ્ત્રીઓની પત્ની તરીકેની સત્તા ઉપર ઊતરી શકીએ છીએ. લગ્ની વય થતા સુધી માતા પોતાના બાળકની સંભાળ રાખે છે. લગ્ન કરતા સુધી પુરુષના ઉપર સ્ત્રીની જે સત્તા ચાલતી હતી તે પોતાનાથી અજાણ હતી – સ્વીકૃત ન હતી. પણ લગ્ન કર્યાથી પુરુષ પોતાની ખુશીથી ને ઇચ્છાથી પોતાની બાકીની જિંદગી પર્યંત બીજી સ્ત્રીના તાબામાં જાય છે. આ પ્રમાણે પુરુષો પોતાની નીતિની કેળવણી - જે સ્ત્રીઓના હાથ નીચે લેવાની તે પરિપૂર્ણ કરે છે.” માતાની આ વિશેષ અસર અને સત્તાની પુષ્ટિમાં એટલું જ કહેવું જરૂરનું છે કે ઇતિહાસમાં જે મહાન પુરુષોનાં નામ સાંભળીએ છીએ તેમની મહત્તા વિશે તપાસ કરતાં તે પ્રત્યેકની માતા ઘણી મનોબલવાળી અને વિદ્વાન માલૂમ પડે છે.

પ્રત્યેક મંડલની નીતિનું મોટું યંત્ર સ્ત્રી છે. મનુએ પણ પોતાની સ્મૃતિમાં કહ્યું છે, કે જ્યાં સ્ત્રીવર્ગની સ્થિતિ અધમ છે ત્યાં ધર્મ નથી. આ પ્રમાણે નીતિને માર્ગે દોરનાર સ્ત્રી પોતાનું બલ યથાર્થ રીતે ચલાવી શકે તેટલા માટે જરૂરનું છે કે તેણે દુનિયાના પુરુષવ્યાપારમાંથી વેગળ રહેવું. સંસારવ્યવહારથી માણસનાં મન બૂઠાં થઈ જાય છે. અને રસેન્દ્રિય બહેર મારી જાય છે. સ્ત્રી