આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ સઘળાઓ એકઠા થૈ નવી ન્યાત કરી નવો ધર્મ રાખી, નવા સંસાર-કાયદા કરી, દેશને તાજો કરે તો શી વાર છે ? એકલાં શંકરે, એકલા વલ્લભે, એકલા સ્વામિનારાયણે, એકલા રામદાસે, એકલા નાનકે, એકલા દાદુએ, એકલા કબીરે, આટલા આટલા ફેરફાર કર્યા તોતમે આટલાબધા, થૈ ગયલી-પાછલી વાતોને સારીપેઠે જાણ્યા છતાં, પૈસે વિદ્યાએ બુદ્ધિએ ચતુરાઈએ સર્વ વાતથી અનુકુળ હોવા છતાં, તમે માહારો સુધારાનો મહિમા વદારવાને કાં આચકો ખાઓછો ? જેને કરવાનું મન નથી તે હજાર બ્હાનાં કાહાડશે. તેમ તમે બાહાર પડવાના તો નથી પણ માહારી ઇચ્છા છે તે તમને કહું છું. આ સમય બાયલા થઈને બેસી રેહેવાનો નથી. જો આ પ્રસંગ તમે ચુકશો તો તમારા જેવા ઠગ બીજા કોઈજ નહીં. તમે માહારા નામને બટ્ટો લગાડો છો. આ વખતે તો હિંમત રૂપી મદિરાનું પાન કરી રજપૂતની પેઠે એકદમ બાહાર નિકળો અને હું તમારે માટે સર્વ દેવની વિનંતિ કરીશ કે માહારા ભક્તોની સંખ્યામાં વધારો કરી તેમને સુખી કર. વાસ્તે છેલ્લું એજ કહું છું કે, એક સારે ઠેકાણે દક્ષણી ને ગુજરાતી વાણિયા, બ્રાહ્મણ, ભાટિયા વગેરે સર્વ સેવકોએ રુડાં ભોજનનું મને વૈવેદ ધરાવી, તે પ્રસાદી સર્વે જણાએ એક પંગ્તિએ બેસીને મોટી ખુશીથી માહારા સાચા ભક્ત મહિપતરામ સુદ્ધા આરોગવી.