આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
નેતાજીના સાથીદારો
 

હરોળ ઊભી કરી, પણ જાપાનની તોતીંગ તોપો અને જંગી તાકાત સામે રક્ષણાત્મક હરોળો બિચારી કંગાલ હતી અને બીજી બાજુ બ્રિટિશ નીતિ પીછેહઠ કરવાની હતી. પરિણામે સહગલને પણ પોતાના સૈનિકો સહિત પીછેહઠ કરવી પડી. પણ, બ્રિટિશ લશ્કરના ઇતિહાસમાં સહગલની પીછેહઠ માત્ર આંખ મીંચીને દોડતાં અને સીંગાપોરમાં ભરાઈ જવાના એકમાત્ર ખ્યાલવાળી પીછેહઠ ન હતી. ક્યારેક સહગલ પોતાના સૈનિકો સાથે પીછેહઠ કરતાં કરતાં પણ, જાપાની ફાજો સામે પ્રતિ આક્રમણ પણ કરતો, પીછો પકડવામાં મશ્ગુલ બનેલા જાપાનીઓ ત્યારે ચોંકી ઉઠતા, પણ સહગલના સૈનિકો તે પહેલાં તો સારી જેવી ખૂવારી કરતા. આમ પીછેહઠ કરતાં કરતાં આખું મલાયા વિંધીને દક્ષિણ કિનારે આવી પહોંચ્યા.

એ પીછેહઠ દરમિયાન સહગલે જે દૃશ્યો જોયાં, એ દૃશ્યોએ હૈયું હચમચી ઊઠ્યું. ધણી વિનાનાં ઢોર જેવા થઈ પડેલા, બેહાલ બનેલા અને આવનારી આફતો, ખૂવારીઓ, અપમાન અને ત્રાસની કલ્પનાથી ધ્રૂજી ઊઠતા હિંદીઓ, દયા યાચતા હતા. વર્ષોથી જે બ્રિટીશ સામ્રાજ્યની છાયા તળે તેઓ જીવતા હતા. જે સામ્રાજ્યને પોષવાને તેમણે પોતાનાં સાધનો અને શક્તિઓ આપ્યાં, એ સામ્રાજ્ય અણીના અવસરે તેમનું રક્ષણ કરવાને નિષ્ફળ ગયું. એમના દિલમાં કંપ હતો. જાપાનીઓ વિશે જે વાતો સાંભળી હતી, જે ત્રાસદાયક કથાએ જાપાનને નામે ફેલાવવામાં આવી હતી, એનાં ચિત્રો હિંદીઓ સમક્ષ ખડાં થયાં હતાં અને તે થર થર કંપતા હતા. સહગલની બુદ્ધિ તેજ થઇ. લશ્કરી શિસ્ત અને વફાદારીની વચ્ચે એ બિદ્ધિ પોતાના દેશવાસીઓની બેહાલી પ્રત્યે ખેંચાતી હતી. આ મનદુઃખ વચ્ચે જેમ તેમ કરીને સહગલ પોતાના રહ્યાસહ્યા સાથીઓ સાથે સીંગાપોર પહોંચ્યા.