આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
નેતાજીના સાથીદારો
 

શ્રી. સહગલને તો યુદ્ધમંત્રીનો જ, જવાબદારીભર્યો હોદ્દો સુપ્રત થયા હતા.

નેતાજીના તેજસ્વી, સચોટ અને સ્વદેશ ભાવનાની જ્યોત સમા ભાષણોએ શ્રી. સહગલની બુદ્ધિને વધુ સતેજ કરી. અત્યાર સુધી તેણે જે વાંચ્યું હતુ, એમાંથી જે પ્રેરણા મેળવી હતી, તે નેતાજીના ભાષણોએ જાગ્રત બની.

પહેલી આઝાદ ફોજ કરતાં બીજી આઝાદ ફોજને ભારે સફળતા મળી નેતાજીના ભાષણોએ અપાવી હતી—કલ્પનામાં પણ ન આવે તેટલા પ્રમાણમાં ભરતી થવા લાગી. માત્ર સૈનિકોને જ નહિ પણ હિંદી નાગરિકો-વ્યાપારીઓ વ્યાપાર છોડીને હથિયારો ધારણ કરવા તૈયાર થતા. યુવાનોનો ધસારો પણ એવો જ જબ્બર હતો.

આઝાદ હિંદુ ફોજની રચના પછી આઝાદ હિંદની કામચલાઉ સરકારની નેતાજીએ સ્થાપના કરી અને વડું મથક રંગુન ખસેડ્યું. તેની સાથે શ્રી. સહગલ પણ રંગુન ગયા. ભરતી અને તાલીમનું કામ પૂરું થયું અને હિંદ પર વ્યવસ્થિત આક્રમણ કરવાની તૈયારીઓ પૂરી થઈ. નેતાજીએ જાતે એ આક્રમણ માટેની પહેલી પસંદગીમાં, કર્નલ શાહનવાઝખાનની પસંદગી કરી અને આઝાદ હિંદની ફોજને આગળ વધીને, હિંદના સીમાડા ઓળંગી ગઈ. આસામની આઝાદ ધરતી પર, ત્રીરંગી ઝંડો ફ્રકતો થયો.

પણ એ વિજય ઝાઝી વાર ટક્યો નહિ, પ્રતિકુળ હવામાન અને જાપાનની મદદ કરવાની દિલચોરીને કારણે, આઝાદ ફોજના સૈનિકોને પીછેહઠ કરવાની જરૂર પડી, કર્નલ શાહનવાઝખાન જ્યારે મોરચા પર લડતા હતા ત્યારે યુદ્ધ મંત્રી સહગલ, જાપાન પાસેથી મદદ મેળવવા માટે લડી રહ્યા હતા.