આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
નેતાજીના સાથીદારો
 


અમને લાગ્યું હતું કે, બ્રિટિશ સરકારે આપમેળે જ બ્રિટિશ તાજની સાથે સાંકળતાં અમારાં બંધનો તોડી નાંખ્યા હતાં અને અમારી જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા. જાપાનિઝોએ અમને કપ્તાન મોહનસિંગને હવાલે કર્યા હતા.

તેઓ આઝાદ સેનાના વડા સેનાધિપતિ તરીકે અમારી આગળ આવતા હતા. અમારૂં ભાવિ ઘડવા માટે અમને તેમના હાથ તળે મુક્ત કરાયા હતા. અમે પ્રમાણિકપણે એમ માનતા હતા કે, ‘બ્રિટિશ તાજે અમને રક્ષણ આપવાનું બંધ કર્યું છે. આથી તે અમારી પાસેથી વફાદારીની માગણી કરી શકે નહિ.’

ત્યારબાદ કપ્તાન સહગલે ’૪૨ નો ‘હિંદ છોડો’ નો ઠરાવ અને ત્યારબાદ બનેલા બનાવોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, અખિલ હિંદ રેડિયો કે લંડન રેડિઓએ આ બનાવ પર પરદો પાડ્યો હતો. આમ છતાં, હિંદમાંથી છૂપા રેડિયો તેમ જ ધરી રેડિયોના સમાચારો વિગતવાર આવતા હતા. આ બધાં રેડિયો મથકો પરથી આવતા સમાચારોથી અમને એમ લાગતું હતું કે, ૧૮૫૭ ના બળવા પછી જે દમનરાજ હિંદમાં થયું હતું. તેનું જ આ પુનરાવર્તન હિંદમાં થઈ રહ્યું હતું.

આ વિષય અંગે બ્રિટિશ તેમ જ હિંદી અખબારો અને સત્તાવાર સમાચારો ચૂપકીદી સેવતા. આથી ઉપરના સંદેશાઓની સચ્ચાઈ પુરવાર કરવાને અમારી પાસે કંઈ હતું જ નહિ. આથી અમે જે સ્વજનો છોડીને આવ્યા હતા તેઓની અમને ચિંતા થતી હતી. આ સાથે અમારા દેશને કાયમી ગુલામીમાં રાખનાર બ્રિટિશ શાહીવાદી કટુરોષની લાગણી પણ હતી.

હિંદના બચાવ વિષે અમારી પાસે જે કંઈ માહિતી હતી તે કંઈ ઉત્સાહપ્રેરક નહોતી. અમારામાં જેઓ આશાવાદી હતા, તે પણ જાપાનની આગેકૂચને અટકાવવાની બ્રિટિશ તાકાતની શક્તિ વિષે શંકા ધરાવતા હતા.