આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. પ્રેમકુમાર સહગલ
૧૦૫
 


પર દુશ્મન સામે લડતો હતો ત્યારે એણે પ્રતિજ્ઞા લીધી કે, જો ‘પરણું તો પ્રેમકુમાર સહગલને જ, બીજાને નહિ !’

એને શ્રદ્ધા હતી કે એના શુદ્ધ પ્રેમનો એકદા વિજય થશે જ. આ જાતની પ્રતિજ્ઞા સામે તેના કુટુંબીઓએ વિરોધ ઉઠાવ્યો. પણ સદ્‌ભાગ્યે, સહગલને તેઓ જાણતા હતા છતાં દુ:ખ એ હતું કે કોણ જાણે ક્યારેય સહગલ પાછો આવશે ? અને પાછો આવ્યા પછી પણ પ્રતિજ્ઞાબદ્ધ થયેલી, કુમારીને પરણવાને તૈયાર થશે ખરો ? એના માતાપિતાએ તેને ખૂબ સમજાવી પણ એ બાળાએ પ્રતિજ્ઞાનો ભંગ કરવાનો ઈન્કાર કર્યો.

જ્યારે લાલ કિલ્લામાં, સહગલ સામે મુકદ્દમો શરૂ થયો ત્યારે તો એની પ્રતિજ્ઞા પૂર્ણ થવાની રહીસહી આશા પણ જતી રહી. છતાં પણ એ બાળાએ હિંમતથી જવાબ આપ્યોઃ ‘સહગલ સિવાય હું કોઈને પરણીશ નહિ.’ એનું દિલ એને કહેતું હતું કે ‘સહગલ જરૂર તને મળશે જ’ અને દેશભરના પ્રચંડ વિરોધને કારણે આઝાદ ફોજના એ ત્રણે અફસરોને મુક્ત કરવામાં આવ્યા, ત્યારે એ બાળાને પોતાના શુદ્ધ પ્રેમનો વિજય જણાયો હોય તો નવાઈ નહિ.

કર્નલ સહગલ મૂક્ત થયા પછી આઝાદ હિંદ ફોજના સૈનિકોના પ્રશ્ન તો ઉકેલવામાં રોકાઈ ગયા છે. તેમણે મેજર જનરલ શાહનવાઝખાન સાથે મહાત્માજીની મુલાકાત લીધી અને ધીમે ધીમે મૂક્ત થઈ રહેલા આઝાદ હિંદ ફોજના સૈનિકોને પુનઃ કામ ધંધે લગાડવાનું કાર્ય, તેમજ જેઓ શહિદ થયા છે તેમના કુટુંબીઓને રાહત આપવાનું કાર્ય જે મહાસભાની દોરવણી હેઠળ ચાલી રહ્યું છે તેને સંભાળી રહ્યા છે. નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા આજેય મોજુદ છે. અને ફરીને જ્યારે હિંદની આઝાદી માટે લડવાનો મોકો મળે ત્યારે મહાસભાની દોરવણી હેઠળ લડવાને તેઓ તૈયાર છે.