આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૨૩
 

મુલાકાતે ધીલોન પર જાદુઈ અસર થઈ. ધીલોનને ત્યારે જણાયું કે એમના હૃદયના ધબકારાને સમજનાર નેતાજી માત્ર એક જ છે. ધીલોનની લાગણીઓને નેતાજી સમજી શક્યા હતા.

નેતાજીએ ધીલેાનને પૂછ્યું ‘તમે શું પસંદ કરો છે? સ્ટાફ ઓફિસરશીપ કે કમાન્ડિંગ ?’

ધીલેાનને સ્વતંત્રપણે પેાતાનું શૌર્ય બતાવવાની તક જોઈતી હતી. એ તક એમને મળી અને કમાન્ડિંગની પસંદ કરી. નેતાજીએ ‘નહેરૂ બ્રિગેડ’ના કમાન્ડિંગ ઓફિસર તરીકે ધીલોનની પસંદગી કરી. એ નહેરૂ બ્રિગેડ ત્યારે મોરચા પર લડી રહી હતી. ધીલોને પોતાની બ્રિગેડનો ચાર્જ મીંગ્યાન ખાતે મેજર મહેબુબ પાસેથી સંભાળી લીધો. માત્ર બ્રિગેડનો જ ચાર્જ નહિ પણ તેની સાથે જ બ્રિટિશરોના બોંબમારાનો ભોગ બનેલાઓ પણ હવાલે થયા.

જ્યારે ધીલોને નહેરૂ બ્રિગેડનો ચાર્જ લીધો ત્યારે એની સ્થિતિ વિકટ હતી. સૈનિકો પાસે પૂરતાં વસ્ત્રો નહતાં અને યુદ્ધ માટેની તમન્ના ભરી હોવા છતાં પૂરતી શસ્ત્ર સહાય મળી નહતી. શિસ્ત અને નૈતિક બળનો અભાવ હતો. કેટલાક મતભેદો પણ મોજૂદ હતા. ધીલોન તરત જ પરિસ્થિતિ સુધારવાના અને શિસ્ત તેમ જ નૈતિક બળ ઊંચું લાવવાના કામમાં લાગી ગયા. સૈનિકોને એકત્ર કરીને તેમણે ભાષણો આપવા માંડ્યાં. વ્યક્તિગત સૈનિકોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું અને તેમની ફરિયાદો પર પૂરતું ધ્યાન આપવા માંડ્યું.

‘તમારે જો પાછા ફરવું હોય તો પાછા જઈ શકે છો !’ એવી સાફ સાફ વાત ધીલોને, સૈનિકો સમક્ષ કરવા માંડી. દરેક ઓફિસર સાથે વ્યક્તિગત સંપર્ક સાધવા માંડ્યો. દરેકની તબીબી સારવાર પર તેમણે પૂરતું ધ્યાન આપવા માંડ્યું. અને પરિણામે નહેરૂ બ્રિગેડ વધુ સશક્ત અને વધુ સંગઠ્ઠિત બની શકી.