આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૨૭
 

‘દહેરાદુનની હિંદી લશ્કરી શાળામાં ‘ચેટવુડ હોલ’ માં આ પ્રમાણે મુદ્રાલેખ કોતરવામાં આવ્યો છે; ‘હરેક પ્રસંગે દેશની સલામતી, સ્વમાન અને કલ્યાણનો સવાલ મોખરે હોવો જોઈએ. તમે જે માણસોનું સેનાપતિપદ કરો તેમની સલામતિ, સુખસગવડ અને કલ્યાણનો તમે હંમેશાં વિચાર કરજો. તમારી સુખસગવડનો વિચાર છેલ્લે કરજો.’

‘મેં મારી સમક્ષ આ મુદ્રાલેખ ધ્યાનમાં રાખીને આઝાદ ફોજના અફસર તરીકે સેવા બજાવી છે.’ ત્યારબાદ તેઓએ સિંગાપુરની શરણાગતિ અને કપ્તાન મોહનસિંગને હસ્તે આઝાદ ફોજની રચનાના બનેલા બનાવોનું વર્ણન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મલાયાના પ્રજાજનોની જે દુર્દશા થઈ તે મેં નજરે નિહાળી હતી. આથી હિંદ પર આક્રમણ થતાં મારા દેશબાંધવોની શું દશા થાય એ વિચારતાં હું ધ્રૂજી ગયો હતો.

આ વખતે દોઢસો વરસના બ્રિટિશ શોષણનો મને ખ્યાલ આવ્યો હતો. મને વિચાર આવ્યો હતો કે, અંગ્રેજોએ પોતાના લાભને માટે, સાધનસામગ્રીઓનું ભારે શોષણ કર્યું છે અને શાહી યુદ્ધો માટે માનવશક્તિનો ઉપયોગ કર્યો છે. કટોકટીની પળે દેશની રક્ષા કરી શકાય એ માટે આપણને તૈયાર કરાયા નથી, પણ આપણને સદાને માટે ગુલામીમાં રાખવા પ્રયત્ન કર્યો છે અને દુર્બળ બનાવી દીધા છે.

કપ્તાન મોહનસિંગે આઝાદ ફાજની જે રચના કરી હતી, એમાં મને નવી આશા દેખાઈ. આ ક્ષણે એક મજબૂત સેના ઊભી કરી શકાય તો એ હિંદને પરદેશી લશ્કરની ધૂંસરીમાંથી મુક્ત કરે. જાપાનિઝો જો વચનભંગ થાય અને પોતાના લાભાર્થે દેશનું શોષણ કરવા મથે તો એનો સામનો પણ થઈ શકે. મને એમાં હિંદ માતાનો અવાજ સંભળાયો અને મેં મારું નશીબ કપ્તાન મોહનસિંંગ સાથે જોડી દીધું.’