આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૩૧
 

અમારા નેતાજી, હું મારી ફોજ તરફથી આપને ખાત્રી આપું છું કે અમારા માર્ગમાં ગમે તે મુશીબતો આવે તેની પરવા કર્યા વિના, આપના આદર્શ અને આપની ઇચ્છા મુજબ, આપણી માતૃભૂમિની આઝાદી પ્રાપ્ત કરવાને, જ્યાં સુધી એક પણ સૈનિક જીવતો હશે ત્યાં સુધી લડતા રહેશે.

મારા સંબંધી તો, મેં આપને રંગુનમાં જે શબ્દો કહ્યા હતા તે — મેં આપકી આંખેં કીસી કે સામને નીચી ન હોને દૂંગા — ની યાદ આપું છું. જ્યારથી હું આપની વિદાય લઈને છૂટો પડ્યો, ત્યારથી એ શબ્દોનો રણકાર મારા કાનમાં ગુંજ્યા કરે છે. ન્યાઉગુ ખાતે પાછા ફર્યા પછી તો એ શબ્દ વધુ ને વધુ જોશથી મારા કર્ણ પટ પર અથડાઈ રહ્યા છે. હું બરાબર રીતે જાણું છું કે, ગમે તે કારણો હોય તો પણ મેં સ્વેચ્છાપૂર્વક જે વચન આપ્યું હતું, તેનું પાલન કરવામાં હું નિષ્ફળ જઈ શકું નહિ. એટલું જ નહિ પણ હું એવી એક ટુકડીનો કમાન્ડર છું કે જાણે અજાણે તમને અને આઝાદ હિંદ ફોજને અપમાન પહોંચાડી શકું નહિ. હું ફરીથી કોઈ વચન આપતો નથી પણ મારું કાર્ય જ જે કહેવાનું હશે તે કહેશે.

આપનો પત્ર અમારામાં નવું બળ અને જુસ્સો પૂરે છે.

અહીં મોજૂદ છે તેવા તમામ અફસરો, સૈનિકો અને હું અંતઃકરણપૂર્વક આપના આશિર્વાદ સ્વીકારીએ છીએ. અમને વિશ્વાસ છે કે ઈશ્વરની કૃપાથી અને આપની આશીષથી ફતેહ મેળવવામાં અમને મુશ્કેલી નહિ પડે.

આ પવિત્ર યુદ્ધમાં અમને દોરવણી આપવા માટે ઈશ્વર આપને દીર્ઘાયુઃ અને તંદુરસ્તી બક્ષે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.

જયહિંદ

આપ નામદારનો
આજ્ઞાંકિત
(સહી) જી. એસ. ધીલોન