આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આનંદમોહન સહાય
૧૭
 


શ્રી. સતિદેવી સાથે લગ્નગ્રંથીથી જોડાયો. પત્ની પણ બહાદુર પતિ સાથે અવિરત ઝૂઝી શકે તેવી મળી.

ફરીને બીજી વાર શ્રી. સહાય જાપાન ઉપડ્યા. હવે વેપાર ધંધામાં આગળ ધપવાને બદલે, શ્રી. સહાય હિંદીઓના પ્રશ્નમાં રસ લેવા માંડ્યા.

કોબેમાં સૌથી પહેલાં, હિંદીરાષ્ટ્રીય મહાસભાની શાખાની સ્થાપના કરનાર શ્રી. સહાય હતા, પણ આ નામ તરત જ બદલવું પડ્યું. હિંદી રાષ્ટ્રીય મહાસભાએ પરદેશમાં પોતાની શાખા સ્થાપવાની ના પાડી. પરિણામે આ સંસ્થાનું નામ ‘ઇન્ડીયન નેશનલ એસોસીએશન ઑફ જાપાન’ રાખ્યું, બીજી બાજુ ટોકીઓમાં સ્વ. રાસબિહારી ઘોષે હિંદ સ્વાતંત્ર્યસંઘની સ્થાપના કરી હતી. અને સંસ્થાઓએ સાથે મળીને કાર્ય કરવા માંડ્યું.

શ્રી. સહાય, હિંદમાંથી રાષ્ટ્રીય મહાસભાએ પ્રસિદ્ધ કરેલા તમામ લેખો પોતાની સંસ્થા દ્વારા જાપાનમાં પુનઃપ્રસિદ્ધ કરવા માંડ્યા. ઉપરાંત ‘હિંદનો અવાજ Voice of India’ સાપ્તાહિક પણ શરૂ કર્યું. આ અખબાર દ્વારા તેઓ હિંદનું સ્પષ્ટ અને સત્ય ચિત્ર આપવા લાગ્યાઃ જાપાન અને હિંદુ વચ્ચેના સબંધો વધુ નિકટના મૈત્રીભર્યા બને, તે માટેનો પુરુષાર્થ કરવા માંડ્યો. પરિણામે બ્રિટિશ પ્રચારને મરણતોલ ફટકો પડ્યો. હિંદમાંની મહાસભાની પરદેશ વિષયક કચેરી સાથે તે સીધો સપર્ક રાખવા લાગ્યો.

જાપાનમાં આવતા હિંદી જુવાનોને હરેક પ્રકારની સગવડ મળી શકે તે માટે, એક ફંડ એકત્ર કરીને ‘ઈન્ડિયા હાઉસ’નું સર્જન કર્યું.