આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
નેતાજીના સાથીદારો
 

મનોબળ, ખુવાર થવાની એની તમન્ના હરકોઈને ઉત્સાહ આપે તેવા હતા.

ચોમાસા પહેલાં જ હિંદની સરહદ ઓળંગી જવી જોઈએ. ચોમાસું તો આપણે મણિપુરના પાટનગર ઈમ્ફાલમાં જ ગુજારવું જોઈએ.

નેતાજીનો એ નિર્ણય હતો, એ નિર્ણયથી આઝાદ ફોજના અફસરો માહિતગાર હતા.

‘હવે આપણે આક્રમણ કરવું જ જોઇએ.’ નેતાજી સમક્ષ આઝાદ ફોજના અફસરો વારંવાર માગણી કરતા હતા.

આઝાદ ફોજના સૈનિકો કહેતા, “અમને મોરચા પર ક્યારે મોકલશો ? અમારી શક્તિની કસોટી ક્યારે આવે છે?”

અધિરા બનેલા સૈનિકો આગ્રહ કરીને કહેતા, “અમને દુશ્મનોનો મુકાબલો કરવા માટે મોરચા પર મોકલી આપો. અમારી અધિરાઈનો હવે અંત આવ્યો છે.”

ને ઝાંસીની રાણી રેજીમેન્ટની વીરાંગનાઓ પણ સૈનિકોના કરતાંય અધિક જુસ્સાથી મેદાન પર જવાને અધિરી બની હતી.

નેતાજી પણ ચોમાસા પહેલાં ઈમ્ફાલ કબજે કરવાની યોજનાને અમલમાં મૂકવા માગતા હતા.

જાપાનિઝ સેનાપતિ સાથે નેતાજી એ અંગેની ગંભીર મંત્રણાઓ ચલાવતા હતા. જાપાનની નીતિ સમજ પડે તેવી ન હતી, જાપાનની દાનત વિશે હિંદીઓને પૂરી શ્રદ્ધા પણ ન હતી, આઝાદ હિંંદ ફોજ હિંદની સરહદ ઓળંગે એવો નેતાજીનો આગ્રહ હતો. જાપાની ફોજોને જો ખાવવું હોય, તો તેણે આઝાદ ફોજના ઝંડા નીચે આવવું જોઈએ એવો તેમનોના અભિપ્રાય હતો.