આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૩૭
 


ઘેરામાંથી છટકી ગયા ને નેતાજીને મળ્યા, નેતાજી સાથે પરિસ્થિતિની ચર્ચા કરી. હવે કોઈ માર્ગ નહતો. શરણાગતિ સ્વીકારવાનો પ્રશ્ન હતો.

નેતાજીએ તેમની વિદાય લેતાં પહેલાં કહ્યું હતું, ‘જે સ્વમાનપૂર્વક આપણે જીવ્યા છીએ, તે જ સ્વમાનપૂર્વક શરણાગતિ સ્વીકારવી પડે તો સ્વીકારજો. આઝાદ સરકાર અને આઝાદ ફોજનું સ્વમાન સાચવજો.’

એ સ્વમાની પુરુષે, નેતાજીનાં એ વચનો માથે ચડાવ્યાં ને પેગુમાંથી બ્રિટિશ સેનાપતિને તેમણે કહેણ મોકલ્યું, ‘શરણે આવવા તૈયાર છું પણુ આઝાદ ફોજના એક સેનાપતિ તરીકેનું સ્વમાન સાચવીને, જો તમે મને યુદ્ધકેદી તરીકે રાખવા માંગતા હો તો, બ્રિટિશ સેનાપતિ એનો સ્વીકાર ન કરે તો, કેસરિયાં કરવાની ભારે ખૂવારી કરત, એ વાત બ્રિટિશ અમલદારો સમજતા હતા એટલે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો.

'ખૂશીથી આવો, અમે તમને યુદ્ધકેદી ગણીશું !’ શાહનવાઝ અને તેમની ફોજને યુદ્ધકેદી તરીકે ગણવામાં આવ્યા.

પરન્તુ એવાં વચનો બ્રિટને ક્યારે પાળ્યાં છે? કર્નલ શાહનવાઝને કેદમાં પૂરીને તેમના સૈનિકો પાસે રંગુનની શેરીઓ સાફ કરાવી છે અને ત્યાર બાદ તેમને હિંદમાં લાવવામાં આવ્યા ને જે લાલ કિલ્લા પર ત્રિરંગી ઝંડો ફરકતો કરવા કર્નલ શાહનવાઝ ધસી રહ્યા હતા, તે લાલ કિલ્લામાં જ, ‘યુનિયન જેક’ નીચેની એક ઓરડીમાં તેમને પૂરવામાં આવ્યા ત્યાં જ તેમને માટે લશ્કરી અદાલત ઊભી કરવામાં આવી.