આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
નેતાજીના સાથીદારો
 

ફોજના અધિકારીઓ પહેલી હરોળની સાથે જ રહેવાનો પ્રયત્ન કરતા હતા અને એથી જ નેતાજી અમારી ફોજોમાં મોખરે રહેતા હતા.

એક વાર નેતાજીને મોખરાપર આવતાં અટકાવવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે નેતાજીએ હસીને કહ્યું હતું કે ‘હજી સુધી અંગ્રેજો એક પણ એવી એક ગોળી બનાવી નથી કે સુભાષ બોઝને અટકાવી શકે.’

સાચે જ, નેતાજીને અટકાવવાને કોઈ ગોળી સફળ નિવડી નથી.

પણ કમનસીખે પ્રતિકૂળ હવામાન અમારા માર્ગમાં અંતરાયરૂપ બની રહ્યું. ભયંકર વરસાદ શરૂ થયો. સડકો તૂટી જવા પામી, ભૂખનું દુ:ખ તો હતું જ, કેટલાય દિવસો સુધી અમારે કડાકા ખેંચવા પડ્યા. દારૂગોળાની અછત હતી. પણ સૌથી ભયંકર અછત તો અમારા ધવાયેલા આઝાદ સૈનિકોની સારવાર માટેની દવાની હતી. અમે લાચાર બન્યા. પીછેહઠ કરવા સિવાય, અમારા માટે બીજો કોઈ માર્ગ જ ન હતો. ફોજના જુવાનોને પીછે હઠ કરવાની સૂચના અપાઈ, ત્યારે તેઓ ખીજાઈ ગયા.

એ જુવાનો બોલી ઊઠ્યા. ‘અમે હરગીઝ પીછેહઠ નહિ કરીએ. ભારતમાતાની પવિત્ર ધરતી પર, આઝાદ ધરતી પર એકવાર અમે જે ઝંડો રાખ્યો છે, તે ઝંડો અમે શી રીતે ઉઠાવી લઈએ ?’

પણ અમારે માટે બીજો કોઈ માર્ગ ન હતો. પીછેહઠ અનિવાર્ય હતી. નેતાજીએ પણ પીછેહઠ કરવાની તાકીદ આપી અને લશ્કરી શિસ્ત મુજબ ઉત્સાહથી ઉછરતા એ સૈનિકોએ પીછેહઠ કરવી પડી.