આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૪૭
 


અમારી મુશ્કેલીઓનો ખ્યાલ તો બીજાને ક્યાંથી આવે? પણ એ મુશ્કેલીઓની કથની સાંભળનારનાં હૈયાં હચમચાવે તેવી છે.

સાફસુફ કર્યા વિનાનું, કચરાવાળું અનાજ અને ઘાસ સાથે ઉકાળીને અમે અમારી ક્ષુધાને તૃપ્ત કરતા હતા. અમને મીઠું પણ મળતું ન હતું એવી અમારી હાલત હતી.

અમારી બેહાલીની અંગ્રેજોને ખબર હતી. તેમણે અમારી વિવશ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો માર્ગ અખત્યાર કર્યો. અમારા સૈનિકોની કસોટીની એ ઘડી હતી. એક દિવસ હવાઈ વિમાનમાંથી, અમારી ફોજો પર પત્રિકાઓનો વરસાદ વરસ્યો. એ પત્રિકામાં લખ્યું હતું કે ‘તમે જલદી અમારી સાથે આવી જાઓ. તમને જલદી રજા આપીને તમારા ઘેર મોકલીશું, તમારાં બાળ બચ્ચાંને મળી શકશો. તમે અહીં ઘાસ ખાઈને જાનવરોની માફક જીવો છો, પણ અમારી પાસે આવશો તો તમને માખણ, દૂધ અને ડબલ રોટી મળશે.’

આ લાલચનો, આઝાદ ફોજના જુવાનોએ જવાબ આપ્યો કે, ‘અમારે મન તમારાં ગુલામીનાં રોટી માખણ કરતાં, આઝાદીના ઘાસની કિંમત વધુ છે, તમારું ઘી અને ડબલ રોટી તમને જ મુબારક હો.’

એ પછી કરીને અમારી ફોજોને લલચાવવાનો પ્રયાસ થયો નથી.

અંગ્રેજો જગતને એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે હિંદમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે ઐક્યતા નથી, એટલે ખૂવારીના ડરથી અમે હિંદ છોડતા નથી, પણ એ તો એક માત્ર બહાનું છે. નેતાજીએ બર્મા અને પૂર્વ એશિયામાંના ૨૫ લાખ જેટલા હિંદીઓ જેમાં હિંદુ મુસ્લિમ અને શીખ હતા, તેમના પર ત્રણ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. એ ત્રણ વર્ષ દરમિયાન અમારી વચ્ચે કોઈ તકરાર થઈ ન હતી. એ ઝઘડાઓ બંધ થયા હતા, કારણ કે પૂર્વ એશિયામાંથી અંગ્રેજો અદૃશ્ય થઇ ગયા હતા. એ ઝઘડાઓ લાવનાર અંગ્રેજો હતા.