આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
૬૧, હરિ ! આવોને
આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ ! આવોને,
આ ધરતીએ ધરિયા સોહાગ, હવે તો હરિ ! આવોને
આ વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવોને,
આવી વાંચો અમારાં સૌભાગ્ય, હવે તો હરિ ! આવોને.
આ ચન્દરવો કરે ચન્દની, હરિ ! આવોને,
વેર્યાં તારલિયાનાં ફૂલ, હવે તો હરિ ! આવોને
પ્રભુ ! પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવોને,
દિલ વારી કરીશ સહુ ડૂલ, હવે તો હરિ ! આવોને
આ જળમાં ઉઘડે પોયણાં, હરિ ! આવોને,
એવા ઉઘડે હૈયાના ભાવ, હવે તો હરિ ! આવોને
આ માથે મયંકનો મણિ તપે, હરિ ! આવોને;
એવા આવો, જીવનમણિ ભાવ ! હવે તો હરિ ! આવોને.
આ ચન્દની ભરી છે તલાવડી, હરિ ! આવોને;
ફૂલડિયે બાંધી પાજ; હવે તો હરિ ! આવોને.