આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આયુષ્યનો છોડ


આ પ્રારબ્ધ કેરી વાડીએ, ફૂલ વીણજો રે !
કાંઈ ઊગ્યો આયુષ્યનો છોડ:
રસિક ! ફૂલ વીણજો રે !

આ જગતકુંજની ઝૂકી ઘટા, ફૂલ વીણજો રે !
કાંઈ પૂરજો ઉરના કોડ;
રસિક ! ફૂલ વીણજો રે !

પેલા ફૂટે ફુવારા તેજના, ફૂલ વીણજો રે !
સન્ધ્યાના સોનેરી અન્ધાર;
રસિક ! ફૂલ વીણજો રે !

અને ચન્દ્ર ઢોળે રૂડી ચન્દની, ફૂલ વીણજો રે !
ત્યંહા વીણજો સંસારના સાર,
રસિક ! ફૂલ વીણજો રે !

કાંઈ કેસરની અર્ચા કરી, ફૂલ વીણજો રે !
જગે ચન્દન ચોળ્યાં અંગ:
રસિક ! ફૂલ વીણજો રે !