આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આજે વસન્તની પૂર્ણિમા, નણંદબા !
જગત થયું ઝાકઝમાળ રે–એ, રે-એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.
પૃથ્વીના પીમળો પાંગર્યાં, નણંદબા !
ઉતર્યા કંઇ આળપંપાળ રે-એ, રે–એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે. ૧
કારતક આવ્યો ને ઘોડા ખેલવ્યાં, નણંદબા !
લાગ્યા સંસારિયાના ભાર રે-એ, રે-એ !
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.
મુંબઈનાં કામણ કારમાં, નણંદબા !
મુંબઈની વરણાગી નાર રે-એ, રે-એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે.
વડલાની ડાળ પેલી જળ ઝૂલે, નણંદબા !
નીચે માતાનાં દુવાર ૨-એ, રે-એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે. ૨
ઉજળી હેલે રૂપ નીરખ્યા, નણંદબા !
ઘડૂલો ભરાતો ધીરી ધાર રે-એ, રે-એ.
નથી આજ કુળનો મોરલો ઝરૂખલે. ૩