આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિહારિકા


જ્યાં માનવ બુદ્ધિ અટકે,
નવ કવિકલપના ખટકે,

ત્યાં વિરાટ ચેતન જાગી ઊઠ્યું
ફેલાવી સ્થળના પાટ;
તે ઉપર રચિયા ગોળ ઘુમ્મટો
કોરી કાળની છાટ.

વહ્યા ત્યાં પ્રકાશ કેરા ધોધ,
ઘૂઘવે વર્તુલ વમલ અમેાઘ;
ઝબકતી પ્રચંડ અગ્નિજ્યોત,
ઉડાડે ઝગમગતા ખદ્યોત.

જયોતિ તણે પડછે ઊભરાયાં
શ્યામલ ઘેાર તિમિર;
અગ્નિ તણે ભડકે ભડકે
સંતાયા શીત સમીર.

ઊપડયા મહા ઝંઝાનિલ,
મંથનો ફેલ્યાં ઘોર નિખિલ.

ગતિ ત્વરિત, વિકાસ અથાગ, ફાલી અવકાશે
એ જ્યોતિતિમિરનાં દ્વંદ્વ દોડતાં શર્તજીત આશે.

પણ સ્થલના પાટ અસીમ;
કાલનું અભેદ્ય વર્તુલ ભીમ !

નિહારિકા : ૧