આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




સૃષ્ટિસમ્રાટ


૦ રાગ-સોરઠ ૦

વિરમે તિમિર ભરી ભય રાત,
ઊતરે ઉષા ચુમિત પ્રભાત—વિરમે.

મોહ સુષુપ્તિ પ્રમાદ ભર્યાં મન
નવજીવનમાં કરે નિમજ્જન;
બલ સૌન્દર્ય સમાધિ વિરાજન
ઝીલે દિવ્ય પ્રતાપ—વિરમે.

નયન તૃપ્ત ઉષ્મા વિચી ઝીલી,
આત્મકમલ ઊઘડ્યું પૂર ખીલી;
બંસી અનાહત રસીલી ગુંજે
શબ્દબ્રહ્મ તણી વાત—વિરમે.

કામ ક્રોધ ભય લોભ વિલાતાં;
અભય અખંડાનંદે ગાતાં
દિન નિશ રસમસ્તીમાં ન્હાતાં
શમી ગયા ઉત્પાત—વિરમે.

સવિતુ પ્રભુનાં ભર્ગ વરેણ્યં
મંગલમય વેરંતા કુમકુમ,
જ્યોતિ ઝબકે ઝગમગ અનુપમ
અનવધિ રસસંપાત !—વિરમે.

૧૪૬ : નિહારિકા