પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
"ગજલું જોડીશમા !
95
 

નિરંજન અટકી ગયો.

ઓસમાનડોસાએ તો નિરંજનને ભારી ફફડાવી મૂક્યો. એનાથી કશું બોલી જ ન શકાયું.

ઘર આવ્યું. ઓસમાને હેઠા ઊતરીને ખડકી પર ટહુકો કર્યો: “એ ગંગાવઉ, શ્રીપતરામભાઈ, આ નિરંજનભાઈને લાવ્યો છું.”

ખડકી ઊઘડી. અંધારે મા એક હરિકેન લઈને બહાર આવી. માએ ઓસમાન જેઠનો ઘૂમટો કાઢ્યો હતો, છતાં ઘૂમટામાંથી મા બોલી શકતાં હતાં: “ભાઈને લાવ્યા, ઓસમાનભાઈજી !”

“તયેં નૈ!” ઓસમાનને એક બ્રાહ્મણ નારીના જેઠ હોવાનો પોરસ ચડ્યો, “મારી ગાડી મેલીને બીજે બેસે જ નૈ ને!”

બુઢ્ઢો ઓસમાન નિરંજનના ટ્રંક-બિસ્તર ઊંચકીને ખડકીમાં મૂકવા ચાલ્યો ત્યારે અંદરથી શ્રીપતરામ માસ્તર બોલી ઊઠ્યાઃ “રંગ છે, ઓસમાન! રંગ છે તને, ભાઈ! રોવા ન બેસે એનું જ નામ મર્દ!”

“તમેય માસ્તરસાહેબ,” ઓસમાને સામી શાબાશી આપી, “તમેય જુવાન બેટીને વળાવી કેવા લોખંડના બની બેઠા! હું શું નથી જોતો? હરહંમેશ શાસ્તર ઉપાડીને ઠેકઠેકાણે વાંચવા જાઓ છો. નીકર ટાંટિયા જ ભાંગી પડે ને!”

ઘૂમટામાંથી નિરંજનનાં બાએ કરુણ અવાજે કહ્યું: “બેસે તો ખાય ક્યાંથી, ભાઈજી? આંસુથી કાંઈ આટો થોડો ભીંજાય છે?”

"બસ, બસ, મારી બોન!” ઓસમાન પડકારી ઊઠ્યો, “તુંય કાંઈ ઓછી કઠણ છાતીની નથી. સંસારમાં ભડ બન્યાની જ વાત ખરી છે. માટે જ હું તો નિરંજનભાઈનેય આખી વાટે કહેતો આવેલ છું કે બાપા, ઇશ્કની ને નિસાસાની ગજલું જોડવા ન બેસતો!”

એમ કહેતો ઓસમાન પોતાના થાકેલા ઘોડાને દોરતો દોરતો જ ગાડી લઈ ગયો ને એ ત્રણ બુઢ્ઢાંની જીવન-ફિલસૂફી પર સ્તબ્ધ બની વિચારતો નિરંજન ખડકી પર જ ઊભો થઈ રહ્યો.