પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવીનતાની ઝલક
99
 

"હું સાથે આવું ?” નિરંજન માંડ માંડ બોલી શક્યો. પિતાના જર્જરિત કલેવર તરફ કરુણતા પામતો અને ધર્મશાસ્ત્રોની પારાયણોની જૂની પ્રથા સામે અણગમો અનુભવતો, ભણેલા તરીકે શરમાતો યુવાન ઘણી મહેનતે પૂછી શક્યોઃ "હું આવું ?”

બાપનું ડગમગતું ડોકું કરુણ હાસ્ય સાથે પુત્રનો ચહેરો નિહાળી રહ્યું. એને પુત્રનો પ્રશ્ન નવાઈભર્યો લાગ્યો. “તું – તું આવીશ તો તો – તો તો હું બહુ રાજી થઉં, ભાઈ !” ડોસા હાંફતાહાંફતા બોલતા હતા.

નિરંજને ગ્રંથ ઉપાડી લીધો. ડોસાએ દીકરાને એક ખભે પોતાનો હાથ મૂક્યો. ડોસાના બોલબોલ કરતા મોંમાંથી થૂંકના છાંટા ઊડી નિંરંજનને મોંએ છંટકાતા હતા.

પહેલો માણસ સામો મળીને વક્ર નજરે જોઈ રહ્યો ત્યારે નિરંજનને લજ્જા આવી. બીજો માણસ મળ્યો ત્યારે એ લજ્જા ઓછી થઈ ગઈ. બજારમાં નીકળતાં એક જ નાકું વળોટયું. લોકો કોઈ કુતૂહલથી જોઈ રહ્યા. નિરંજનની કસોટી પતી ગઈ. પહેલી દ્રષ્ટિએ નવાઈ પામતો સમુદાય બીજી જ ક્ષણે હરકોઈ વિચિત્ર ઢંગ વિશેનું કૌતુક ખોઈ બેસે છે. સમુદાયની ઠેકડી લાંબું ટકતી નથી. સમુદાયની વૃત્તિમાં જે ઉદારતા પડી છે તે કોઈ મહાન તત્ત્વવેત્તાની ઉદારતા છે.

પણ સાંકડી બજારમાં એક મોટર અટકી પડી હતી. બાજુમાં એક બળદ-ગાડું સલવાઈ ગયું હતું.

દુકાનોના ઓટા ચડીને પિતાને દોરી જતા નિરંજને મોટરની નજીક ઘસાતાં શબ્દ સાંભળ્યા: "આ તો ભારી બખડજંતર થયું.”

મોટરમાંથી બોલાયેલા એ શબ્દો નિરંજનની જૂની સ્મૃતિને જાગ્રત કરે ત્યાં તો અંદર બેઠેલા દીવાનસાહેબને એણે દીઠાઃ દીવાનસાહેબની બાજુમાં બેઠેલી યુવાન સ્ત્રીને પણ દીઠી.

"ચાલો સરયુ, આપણે ચાલીને જવું રહ્યું.” એમ કહી દીવાનસાહેબ પુત્રી સહિત નીચે ઊતર્યા. આ તરફથી પિતાપુત્ર અને પેલી તરફથી પિતાપુત્રી સામસામાં ભેટ્યાં. નિરંજને સરયુ તરફ ગયેલી નજરને તત્કાલ