પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૩૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
122
નિરંજન
 


સદાને માટે બંધ કરી દઉં; ચૂના ને પથ્થરથી ચણી લઉં...

સુનીલાને હું મિત્ર બનાવું એ જ બરાબર થશે.


26
બાપડો

ડાકાના અવાજથી બીધેલ નાનું બાળ જ્યારે પોતાની ભીરુતા ઉપર શરમ અનુભવે છે, ત્યારે બીજા અવાજની સામે ટકી રહેવા માટે એ બહાદુરીની બનાવટ કરે છે. એવી બનાવટી હિંમત ધરીને નિરંજન દીવાન-બંગલે જઈ પહોંચ્યો. હંમેશની જેમ સરયુ અને સુનીલા બેઉ જોડે જ ઓરડામાં બેઠાં હતાં. નિરંજનને જોતાં સુનીલા બોલી ગઈ. “ત્યારે તો તમે આવ્યા ખરા !”

“કેમ, નહીં આવું એમ માનેલું ?”

"મેં બહુ સતાવેલા ખરા ને !”

“કંઈ નહીં, એ તો મેં મારો મેળ મેળવી જોયો છે.”

“એ વળી શું ?”

“એમ, કે આપણે મિત્રો બનીને જ રહીએ."

“પણ મેં ક્યાં કહેલું કે આપણે શત્રુઓ છીએ ?”

સરયુ હવે છૂટ લેવા લાગી હતી. એણે જરી લહેર કરી:

"સુનીલાબહેનને તો ઘણાય મિત્રો છે.”

"એમાં ભલે એકની વૃદ્ધિ થતી.” સુનીલા જાણે કે કશુંક સહન કરી લેતી હોય તેવી બેજવાબદાર રીતે બોલી.

"હું એ બધાની જોડે ખપવા નથી ઈચ્છતો.”

"તમે સર્વત્ર જુદા જ તરી નીકળવા શા માટે ઈચ્છો છો ?”

“બીજાઓને મન મૈત્રી બહુ સસ્તી વસ્તુ છે; મારે મન મૈત્રીમાં