પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરયુનો હાથ
131
 

દુકાનો ભમી ભમી ‘ભાઈને ભાવે તેવું ઘી શોધી કાઢ્યું. ભાઈને માએ કંસાર પીરસ્યો. એ કંસારમાં ઘીની ધાર જોડે માતાના હર્ષાશ્રુઓની પણ ધાર સીંચાઈ ગઈ.

ત્રીજે દિવસે તાર-ઓફિસમાંથી મુકાયેલા એક તારની વાત ગામમાં ફૂટી નીકળી ને ફેલાઈ ગઈ. પહેલો નંબર આવનાર છોકરી દીવાનની ભાણેજ થાય છે. તેણે યુનિવર્સિટી પર કરેલો એ તાર હતો. તારમાં લખ્યું હતું: પહેલા નંબર તરીકેની ફેલોશિપ, ઈનામો, ચંદ્રકો અને સ્કોલરશિપોનું હું બીજા નંબરની તરફેણમાં રાજીનામું આપું છું.”

એ તારની મતલબ નિરંજનના કાન પર પહોંચી. ફરી એક વાર એ અકળાયો. સુનીલાની આ મહાનુભાવતા હશે ? મને હીણવાની નેમ હશે ? આવડું કીમતી ટીખળ કર્યું હશે એણે ? કે વળી કોઈ સ્નેહની સંતાકૂકડી માંડી એણે ?

ખીજ પણ ખૂબ ચડી. જઈને મોઢામોઢ સંભળાવી દેવા ઉત્સુક બન્યો કે, તારાં ઊતરેલાં પુષ્પો હું નહીં પહેરું, તારા દાનનો હું ભિખારી નથી; મને મારી બુદ્ધિશક્તિએ અપાવ્યું છે તેટલાનો જ હું ગૌરવભર્યો સ્વામી રહીશ; 'આને તો મળેલાં છે એક સ્ત્રી-વિદ્યાર્થીએ છોડી દીધલાં માન' એવું જીવનભરનું આંગળી-ચીંધણું હું નહીં સહી શકું.

સાંજે દીવાન-બંગલાનો પટાવાળો એક કાગળ આપી ગયો. કાગળ સુનીલાનો હતો. એમાં લખ્યું હતું:

મામા તો આપણા બેઉના માનમાં મેળાવડો રાખવાના હતા, પણ તમે ને હું ભેગાં ન થઈએ તે જ ઈષ્ટ છે એમ સમજી મેં મામાને અટકાવ્યા. વળી, આ કાગળ મળશે ત્યારે હું મુંબઈને માર્ગે ઘણે દૂર નીકળી ગઈ હોઈશ.
મારા નંબરનાં તમામ પારિતોષિકોનું મેં તમારી તરફેણમાં રાજીનામું આપ્યું છે તેથી ગેરસમજ ન પામશો. વિદ્યાપીઠના જીવનને કાર્યક્ષેત્ર બનાવવાના તમારા કોડ છે. એ કોડને પૂરા કરવામાં મારો આટલો સાથ સમજજો.
હું જે કામ માટે ત્યાં આવી હતી તે જ રહી ગયું છે. હવે એ