પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દયાજનકતાનું દ્દશ્ય
135
 

આગળ વધ્યાઃ

"ત્યાં તો મારા હાથમાંથી જ કપ લસર્યો, મારાં બૂટ પર ઢોળાયો, ને લેડી પેન્ટલાન્ડે ટુવાલ માટે દોડાદોડ કરી મૂકી; લોર્ડ પેન્ટલાન્ડે બચાડાએ તાબડતોબ ગજવામાંથી રૂમાલ કાઢ્યો.. હા-હા-હા-હા-”,

ને એ એક વિસ્મયની બેહોશીમાંથી નિરંજન ભાનમાં આવે તે પહેલાં તો ગાડી નીચેથી એક કૂતરાએ ચીસ પાડી. દીવાનસાહેબે જુનવાણી બ્રેકને વેળાસર ચાંપી દીધી. કૂતરું જરાક ઘસાઈને બચી ગયું. સાંકડી બજારની બેઉ બાજુએ વણિક દુકાનદારો એકદમ ખડા થઈ ગયા, ને દીવાનસાહેબની સમયસૂચકતાએ એક કૂતરાની હિંસાને ખાળી દીધી તે બદલ ધન્યવાદ આપવા લાગ્યા. તેઓ બોલી ઊઠ્યા: “દયાવૃત્તિનો તો આપ સાહેબના અંતરમાં અખંડ દીવો બળે છે, સાહેબ !”

સાહેબે ઝટ ઝટ ગામ બહાર ગાડી કાઢીને નિરંજન સામે માર્મિક દ્રષ્ટિ નાખતાં નાખતાં કહ્યું: “ઊગરી ગયા. જો કૂતરું મર્યું હોત તો મા'જન કાગારોળ કરી મૂકત. દીવાનપદું ડોલવા લાગત. જાણો છો ને ? લોકલાગણીને અમારે પણ ઓછું માન નથી આપવું પડતું.

“ને જુઓ, ભાઈ,” દીવાને તાજો પહેરેલ જાપાની રેશમનો સુંવાળો ગડીદાર સૂટ બતાવી કહ્યું, “આ ઉપલું પડ વિદેશી છે, પણ અંદર, મારા અંતઃકરણને અડકીને તો, દેશી પાણકોરું જ સદા રહેલું છે.” એટલું કહી એણે કોટનાં બટન ખોલ્યાં. અંદર ખાદીની બંડી બતાવી કહ્યું: “અમે કંઈ દેશના શત્રુઓ નથી હો, ભાઈ !”

નિરંજનને એ બધા એકરારમાં એક તીવ્ર કરુણતા ભાસી. એણે કહ્યું: “હું કોઈને એનાં કપડાં પરથી તોળતો નથી, સાહેબ ! કેમ કે હું પોતે જ મારા પોશાક પરથી મારી આંકણી કરનારને ધિક્કારું છું.”

“ના, તમારો આગ્રહ હશે તો હું ખાદીમાં જ લગ્ન....”

આટલું બોલાઈ ગયા પછી દીવાનને શુદ્ધિ આવી કે હજુ મુદ્દાની વાત થઈ નથી ત્યાં જ પોતે બાફી બેઠા છે. એટલામાં તો નિર્જન પ્રદેશ આવી પહોંચ્યો. દીવાને એક વડલાની ઘટા નીચે ગાડી ઠેરાવી. શોફર