પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૫૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
146
નિરંજન
 

આદર્શને સાધવા માટે મથવું છે. એ તો હું એમ. એ. થઈને પણ કરી શકીશ.”

“હા, એ પણ ઠીક છે. બાર મહિનામાં પાંચેક મહિનાની રજા માણી શકાય, માથેરાન-મહાબળેશ્વરના મીઠા ઉનાળા પણ ગાળી શકાય, નિરાંતે લખી-વાંચી શકાય, અને માસિકો-ત્રૈમાસિકોના ખાસ અંકોને માટે મગાતી કવિતાઓ પણ રચી નાખી શકાય. એ જ ઠીક છે. યુનિવર્સિટીની સુધારણા કરતાં આત્મસુધાર અને આરામ શું ખોટાં છે ?”

સુનીલા પોતાની આદતથી વિરુદ્ધ જઈને આટલું વાક્ય બોલી ગઈ - ચીપી ચીપીને ભાર દઈને બોલી. પેટાવાક્યોને એણે સરખી ગતિએ તોડ્યાં, ને છેવટે એક ઊંડો શ્વાસ હેઠો મેલ્યો. માથા પરથી સરેલી સાડીને એણે અરધે મસ્તકે આગળ ખેંચી.

નિરંજનને ભાસ્યું કે આ સ્ત્રીએ એક યુવાનના અપુરુષાતની આદર્શની સન્મુખ શરમ પામીને શિર ઢાંક્યું. મલાજો બે વાતોનો કરાય છે: એક મર્દાનગીનો અને બીજો નિર્વીર્યતાનો.

"જેનું જીવનતત્ત્વ લડાયક નથી, તેને મહેણાંટોણાં મારી પાનો ચડાવવામાં શો સાર ?” નિરંજને ઠંડે કલેજે કહ્યું.

"તો પછી લાયક તત્ત્વ વગરનાને પ્રોફેસર બનાવવામાંય શો લાભ ?” સુનીલાએ નિરંજનને ગૂંચવવા માંડ્યો.

“સંસારમાં બેઉ જુદી પ્રકૃતિઓ છેઃ એક લડાયક, એક શાંતિની ઉપાસક.”

“ભૂલ્યા તમે. એક લડાયક, ને બીજી કાયર હિચકારી. આમ જુઓ,” કહીને સુનીલાએ ભીંત પર ચાલ્યા જતા એક મકોડાની આડે પેનસિલ મૂકી. “જુઓ, આ રોજ ચગદાઈ મરતું જંતુ પણ પોતાની શાંત ગતિને નડતર કરનારને બટકું ભરે છે. જુઓ, કેવું એ માથું ઊંચકીને લડાઈનું આહ્વાન આપે છે ! એનું મરવું ધન્ય બનશે. અને પેનસિલ તો પરજીવી, અચેતન, મૂએલી જ છે. મૂએલી જ રહેવાની – છોને એ સો પુસ્તકો લખતી ! પારકાનાં આંગળાં વચ્ચે પકડાઈને ને ?”