પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૭૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
160
નિરંજન
 


"ખેર!” નિરંજને એ મેલાં કપડાં પર નિઃશ્વાસ ઠાલવ્યો. પેલી સાદી ધોબી-ધોયેલી જોડી જુવાનને પહેરાવી. પછી એને પાલવા લઈ ગયો. ત્યાંથી થોડો મેવો ખરીદી લઈ નિરંજને મછવો બોલાવ્યો. બેઉ દરિયાને ખોળે અનંત સાગર-બાળ મોજાંઓના જેવાં બે મોજાં બની ગયા, ને ધીરે ધીરે લાલવાણીએ સિંધી પ્રેમકથાઓની કાફીઓ છેડી. સૂતો સૂતો નિરંજન એ શબ્દો અને સૂરો પીવા લાગ્યો.

કાફીના ગાનમાં તલ્લીન બનેલા લાલવાણીએ થોડી વારે નિરંજન તરફ જોયું. નિરંજન પડખું ફરી ગયો હતો. નિરંજનનો એક હાથ, ચાલતે મછવે, દરિયાનાં કૂણાં કૂણાં પાંદડાં જેવાં લહેરિયાંને સ્પર્શી રહ્યો હતો. નાની તરંગાવલિ એનાં આંગળાંને ચૂમતી ચૂમતી ક્રીડા કરતી હતી.

"સાહેબ!” લાલવાણીએ ધીરો સાદ દીધો.

જવાબ ન જડ્યો.

"સાહેબ ! સૂઈ ગયા?"

જવાબ ન આવ્યો.

હલેસાં ચલાવનાર માછીએ લાલવાણીને ચૂપ રહેવા ઈશારત કરી. અને મૂંગી મૂંગી હાથચેષ્ટા વડે જ સમજાવ્યું કે નિરંજનનાં નેત્રો ઝરી રહેલ છે.

માછી નિરંજનનું મોં જોઈ શકતો હતો.

ફરી ફરીને મછવો કિનારે ભિડાયો ત્યારે નિરંજનનાં નેત્રો સમાધિમાંથી છૂટ્યાં. બેઉ જણા કિનારા પર આવ્યા.

નિરંજને ફરી એક વાર દરિયાના અનંત પથરાવ પર દ્રષ્ટિ કરી ને એણે મોજાંના સૂર સાંભળ્યા. એણે કહ્યું:

"દરિયા સમું દિલગીર સત્ત્વ બીજું એકેય નથી. વિશ્વનો મોટામાં મોટો વિજોગ દરિયો જ છે, લાલવાણી!”

“સાચું છે. દરિયાના અવાજમાં મને તો હંમેશાં 'ડીપ મોનિંગ’ – ગંભીર રુદન - દેખાયું છે. કરોડો જહાજની કબર છે દરિયો. અનંત વિલાપનું મૂર્ત સ્વરૂપ મને તો સાગર જ ભાસે છે.”