પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિજય – કોલાહલનો
171
 


સર્વ જિજ્ઞાસુઓ પ્રવેશ કરશે.”

વાંચતાં તો શૂળ ભોંકાતાં હતાં તે તણખલાં બની ગયાં. ને નિરંજન એ દળદાર ગ્રંથ લઈ મુકામે ચાલ્યો. રસ્તે એની આંખો સામે એ પચીસ-પચાસ મોટા ગ્રંથો સળવળતા હતા. બધા જ આ વિષય પરના ગ્રંથો.

જુવાન જીવનની માર્મિક સમસ્યાઓને સુઝાડતું આટલું સાહિત્ય પડ્યું છે. છતાં વિદ્યાલયોમાં હજુ સો વર્ષેય 'મેઘદૂત' અને 'કાદંબરી'નો શાસનયુગ ઊતર્યો નથી.

તે જ દિવસથી એણે લપાવું-છુપાવું છોડી દીધું. સર્વ ભાળે અને સાંભળે તેમ લાલવાણી પ્રત્યેનો સ્નેહ પ્રદર્શિત કરવા માંડ્યો, ને એક શનિવારની રાત્રિએ કૉલેજની ડિબેટિંગ સોસાયટીના ઉપક્રમે એણે 'એક જીવનરહસ્ય' ઉપર પોતાનું વ્યાખ્યાન ગોઠવ્યું.


38
વિજય – કોલાહલનો

વ્યાખ્યાનમાં નિરંજને પોતાના લાલવાણી સાથેના સ્નેહ-સંબંધનો રજેરજ ઇતિહાસ ખુલ્લો કર્યો. એ સંબંધની સુંદર મર્યાદાઓ સચવાઈ રહ્યાની ખાતરી આપી.

પછી નિરંજને પોતાની દિગ્મૂઢ દશા, વેદના, તેમ જ ઉગારની શોધાશોધ વર્ણવી. જીભ ખોલવાનું કોઈ સ્થાન નહોતું. કોલેજના ગ્રંથાલયમાં ચોપડી નહોતી. પેલા ભયાનક ગણાતા માજી પ્રોફેસરને ઘેર મુલાકાત કર્યાની પોતે વાત કહી.

વાંચેલ ગ્રંથનું તારતમ્ય ધરી દીધું, ને પૂછ્યું: “હવે કહો ! મારા જેવા, લાલવાણીના જેવા, કેટલા કેટલા આ ઝંઝાવાતમાં ઝપટાયા હશે ?”