પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
174
નિરંજન
 

નજર ચુકાવી ઓરડીમાં પેસી જતા હતા. જેમને જેમને નિરંજને સામા ચાલી બોલાવવા યત્ન કર્યો તેઓ પણ ટૂંકા બોલમાં પતાવીને સરી ગયા. દરેકને પોતાની ઈજ્જત જોખમમાં દેખાઈ. દરેકને કંઈ નહીં તો હેરત તો થયું જ હતું કે આવા ભયાનક વિષયને આટલી બધી સલૂકાઈથી છેડી જ શે શકાય!

એવી વિજનતા વચ્ચે પણ નિરંજનને આનંદ હતો. એ આનંદનું ઝરણ ક્યાંથી વહેતું હતું? નિખાલસપણામાંથી પોતે જે ખાનગીપણાનાં પાંદડાં, જાળાં ને ઝાંખરાં અળગાં કરી નાખ્યાં હતાં તેમાંથી. સુખનું ઝરણું હવે વણઢાંક્યું, વણઅટવાયું, સૂર્યકિરણોનાં પ્રતિબિંબો ઝીલી નૃત્ય-ગેલ કિરતું નિર્ઝરતું હતું.

લાલવાણીનો ખંડ અંદરથી બંધ હતો. નિરંજને ટકોરા માર્યા દ્વાર ન ઊઘડ્યું. નિરંજને ધીરા સાદ દીધા.

"ચાલ્યા જાઓ ! ચાલ્યા જાઓ !” અંદરથી લાલવાણીનો સ્વર આવતો હતો. એ સ્વરમાં રોષની ધાર હતી; દુઃખની ચીસ હતી; સ્પષ્ટ રુદનનાં ડૂસકાં હતાં.

નિરંજન પાછો વળ્યો. એ જાણતો હતો કે ઓરડીઓ પરથી છાની નજરે સહુ તમાશો જુએ છે, ને બીજી બાજુ લાલવાણીનો આત્મા અંદર પુરાઈને છુંદાઈ રહેલ છે.

પલ બે પલ તો નિરંજનની નસો કોઈ જંતરડામાં ખેંચાતી થઈ ગઈ. પોતે એવું શું કર્યું છે? શાની આ સજા મળે છે? સજા કરનાર કોણ? અંગે અંગે વીંછીના ડંખ લાગ્યા.

એ બે પલ. એના શરીરનું અરધું રુધિર શોષીને, ધરાયેલી જળો જેવી, આપોઆપ ઊખડીને ખરી ગઈ. મનને શાંતિ વળી. શામાંથી વળી?

એકના એક ભાવોદયમાંથી, કે મેં તો મારું હૃદય ખુલ્લું મૂકી દીધું છે. 'ખાનગી'નો પહાડ મારા આત્મા પરથી ફગાવી નાખ્યો. હવે મને શી ભીતિ છે?