પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભર્યો સંસાર
177
 

અવનીનાં નેત્રો સામે હું ઉઘાડી પણ કઈ રીતે કરી શકીશ?

ચુપચાપ એણે સામાજિક ફાંસીની કાળી ટોપી પહેરી લીધી.

સાંજ પડી ત્યારે હોસ્ટેલની 'ફેલો-રૂમ' ખાલી હતી, ને નિરંજનને ખતમ કરનાર વિરોધી ત્યાં નિશાચર જેવો લપાતો-છુપાતો કબાટો તપાસતો હતો; ટપાલનાં ફોડેલાં પરબીડિયાંનો જથ્થો પડેલો, તેનાં સરનામાંના હસ્તાક્ષરો વાંચતો હતો.



40
ભર્યો સંસાર


ગાડીવાને પૂછ્યું: “ગાડી ક્યાં લઈ જઉં, ભાઈ?”

"કેમ, કહ્યુંને? આપણે સુનીલાબહેનને ત્યાં – અરે, હં હં, સેન્ડહર્સ્ટ રોડ ઉપર.”

ખરી રીતે નિરંજને ગાડીવાનને નહોતું કહ્યું. વળી સુનીલાબહેનને પણ ગાડીવાન ઓળખતો નહોતો. બંને વાતનું સ્પષ્ટ ભાન નિરંજનન પાછળથી આવ્યું.

પણ હું સુનીલાને ઘેર કેમ જાઉં ?

મનથી ઉત્તર ઊઠ્યો: વિજેતા બનીને વળ્યો છું તે માટે; આજે જઈને મારે પરાજયનાં રોદણાં નથી રોવાનાં તે માટે.

છેલ્લાં ત્રણ મહિનાથી એકબીજાં મળ્યાં નથી. મેં આટલો મોટો ગાળો પડવા દીધો? કોઈ ને કોઈ નિમિત્ત કાઢી એની કને ગયો જ કાં નહીં?

કારણ કે આ બધો જ વખત એ મને યાદ આવી નથી. એનો અર્થ એમ તો નહીં જ કે હું એને ભૂલી ગયો હતો.

નિરંજન અંદર આવ્યો. ત્યારે પાછળ બારણું ઉઘાડું મૂકતો આવ્યો.