પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિસર્જન કે નવસર્જન?
195
 

આપણી લાજ રાખશે એમ હવે મને ખાતરી થઈ છે.”

બોલતા બોલતા ડોસા દાંત કાઢતા હતા.

નિરંજને બાનો ખાટલો ઢાળ્યો, ને પાડોશીને ફક્ત એટલું જ કહ્યું કે, “ખડકીમાંથી જરા ખાટલો લઈ લેશો?”

જવાબમાં પાડોશી સ્ત્રીપુરુષ બેઉનાં મોંમાંથી અવળી ભાષા વછૂટીઃ “અમે કાંઈ થોડાં પછાડ્યાં છે? ડોસો બેઠા બેઠા અમને શીદ સંભળાવી રહેલ છે? ન પોસાતું હોય તો બીજે રહેવા જાવને? રૂડો દીવાન દૂઝી રિયો છે ને!”

બાને હળદર વાટીને ચોપડ્યા પછી શેક કરતાં કરતાં રાતના પ્રહરો વીતવા લાગ્યા, પણ ડોસાડોસીની વાતોમાં ક્યાંયે નિરંજન પ્રતિનો કટાક્ષ નહોતો.

છતાં જે અણબોલાયું હતું તે તો આખું ઘર જ ઉચ્ચ સ્વરે બોલી રહ્યું હતું. ઘરને એક વહુ જોઈતી હતી. આ પાડોશીની જીભો સામે જીભ અફળાવે એવી કોઈ ઘરની માલિકણ જોઈતી હતી. અત્યારે તો અમારા તરફથી આ યુદ્ધના આહ્વાનને પડકારે એવી કોઈ જીભ નથી. સરયુની જીભ અહીં બંધ બેસે કે નહીં? અમસ્તી તો મ્યાનમાં જ રહેનારી, પણ એક વાર બહાર ખેંચાયા પછી તો એ જીભ પાણીદાર દાંતરડી કરતાં જરીકે કમ ઊતરે તેવી નથી.

જેમ જેમ નિરંજન દીવાનબંગલાની માસ્તરગીરીના જૂના દિવસોને યાદ કરતો ગયો, તેમ તેમ સરયુની જીભ એને આવા પાડોશીધર્મોનું પાલન કરવા માટે અદલ ઉપયોગની લાગતી ગઈ. ખરે જ જાણે સરયું અત્યારે આ લોકો જોડે ધડાપીટ બોલાવી રહેલ છે !

સુનીલાની વિદ્યાપીઠ-જીવનની મર્દાઈ, અને સરયુની પાડોશીજીવનની આવી વીરતા, બેઉ શું એકસરખાં નથી?

બે મૂર્તિઓમાં સામ્યની રેખાઓ દોરાતી ગઈ. ભેદની રેખાઓ પાતળી પડતી ગઈ. સરયુની વાત તો વધતી જ ગઈ! વાહ રે બદમાશ ! આટલી બધી ધૃષ્ટતા તેં સંઘરીને રાખી ક્યાં હતી? બે હાથ ઝાલીને