પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૧૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
200
નિરંજન
 

દૈવત વિનાનો બાપડો છો ? ચિત્ત હમણાં ઠેકાણે પડે તો હમણાં જ હહણીને ઘોડો બની જા.”

“એમ ?” નિરંજનને આ વાતની ગેડ બેસવા લાગી.

"એમ જ !” ઓસમાને પોતાના બુઢ્ઢા મસ્તકને ખાતરીસૂચક મરોડ આપ્યો. એરણ પર પડતા હથોડા માફક એ માથું વીંઝાયું. એણે નિરંજનની દાઢી પકડીને હલાવીને કહ્યું: “દીકરા મારા, અદલોઅદલ આ હાલ મારાય હતા. તે દી આ ડોસી પદમણી જેવી રૂપાળી હતી, તોય દિલ પાછું હઠતું તું. પણ એક વાર ઉમળકો આવ્યો – ને પછી તો, મારા લાલ !” ડોસાએ દુહો ફેંક્યોઃ

દૂધમાં સાકર ભેળિયેં
કેવોક લિયે મેળ !
કેવોક લિયે મેળ તે
સળી ભરી ચાખિયેં...!

“હેં-હેં-હેં !” ડોસાના હાસ્યના ખખડાટ ટપ્પાના ભડભડાટ જોડે એકસૂર બની ગયા. ડોસો જુવાનીના રંગમાં આવી ગયો.

"પણ મારી વાત હું એને કહીશ ત્યારે એને શું થશે ?” નિરંજન પૂછ્યું.

"હવે વેદિયો શા સારુ થાછ, ભાઈ ? વાત કહેવાનું કારણ ?"

“પૂછે તો ?”

“તો કહેવું બેધડક, કે હા, હા, મરદ છું. બે ઘડી મનને ધોડવાનો ઢાળ આવી પડ્યો'તો; મરદાઈ કાંઈ ગીરો મૂકીને કે ગુમાવીને નથી આવતો. તારે સાડાસાત વાર ગરજ હોય તો હાલી આવ. આંહીં તો હૈયું ફાટે છે. તને ઉમળકો ન હોય તો તુંને તારું ઘર મુબારક ! તેરે માગન બોત, તો મેરે ભૂપ અનેક. સમજાણું ?”

નિરંજને ડોકું હલાવ્યું. ઓસમાનડોસાએ ઉમેર્યું:

“હા, ઈમાનમાં રેવું હોય તો જ એને હા પાડજે. ને ઈમાની આદમી જો સાચો મરદ હોય, તો એને માથે ઓળઘોળ થાતી ન આવે