પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
44
નિરંજન
 

પાસે બંદીખાનાની તુરંગમાં ફક્ત એની જુવાન પુત્રીને જ થોડી ઘડી મળવા જવાની પરવાનગી હતી. પુત્રી પિતા પાસે જઈ પિતાને છૂપું છૂપું પોતાનું સ્તનપાન કરાવતી.

પુરાતન રોમની એ રોમાંચક કથાનું કવિ બાયરને ફક્ત એક જ કડીમાં દિલચશ્પ ચિત્ર દોર્યું છે. ઘેર એક ફકરો વાંચીને નિરંજન નાચી ઊઠ્યો હતોઃ કવિતા! કવિતા ! આ રહી કવિતા ! કવિજીવનની તમામ કાળાશને ધોઈ નાખનારી આ કાવ્યધારા, પેલી પિતાને જીવન દેનારી પુત્રીની ધાવણ-ધારાથી જરીકે ઓછી પાવનકારી નથી. આજે તો વર્ગમાં અંગ્રેજી પ્રોફેસરનું ઠંડુંગાર હૃદય પણ ખીલી ઊઠશે. આજે તો વર્ગના તમામ જુવાનો બાયરનની આ કડીનો મર્મ સમજ્યા પછી સ્ત્રીનાં સ્તનોને વિશે ગંદા ભાવ સેવતા મટી જઈ માતૃત્વના એ અમૃતકુંભોને નિહાળી પોતાની હલકટ લાગણીઓનું સપ્લિમેશન – ઊર્ધ્વીકરણ અનુભવશે.

એવી એવી તાલાવેલીથી થનગનતો નિરંજન તે દિવસે વર્ગના પ્રોફેસરે કરેલાં શબ્દચૂંથણાં નિહાળી થીજી ગયેલો. ‘ગ્રેટ નેચર્સ નાઈલ હેલ્ડ નો સચ મિલ્ક.' – એ શબ્દોમાં કવિએ આ પુત્રીની સ્તનધારાને આકાશ-ગંગાથી ચડિયાતી મૂકવા યત્ન કર્યો, ત્યાં પ્રોફેસરસાહેબે ‘ગ્રેટ' શબ્દ 'નેચર' સાથે જાય છે કે 'નાઈલ’ સાથે તેનાં ચૂંથણાં ચૂંથ્યાં. વર્ગના છોકરાઓ ટીખળ પર ચડી ગયા. વિદ્યાર્થિનીઓ પૈકીની સુનીલા સિવાયની તમામ વર્ગ છોડી ગઈ હતી. અને પ્રોફેસરસાહેબે ફરી ફરી કહ્યું હતું કે, “સંભાળજો, પરીક્ષામાં આ શબ્દરચના વિશે ખાસ પ્રશ્ન પુછાશે. આવી જ એક દ્વિઅર્થી શબ્દરચના કવિ શેલીએ પણ ક્યાંક કરી છે. મને અવકાશ મળશે ત્યારે હું કવિ શેલીનાં તમામ કાવ્યો ઉથલાવી જઈને આ ભૂલ પકડી પાડીશ.”

આ વખતે નિરંજનને એવી દાઝ ચડી હતી કે શેલીનું એક પુસ્તક લાવીને પ્રોફેસરના માથા પર ઝીંકી દઉં!

આવા અનુભવોએ નિરંજનને વિમાસણમાં નાખ્યો હતો. એ કોઈ કોઈ વાર કોઈકને પૂછતો પણ હતો કે, મેં જેઓનાં સ્વપ્ન સેવેલાં તેવા