પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝાંઝવાનાં જળ
51
 

ઝાંઝવાનાં જળ જેવી એ દૂર ને દૂર છો સળગ્યા કરે ને સળગાવ્યા કરે.

મારા જેવા પામર મૃગને માટે તો સરયુ જેવો એક વીરડો જ સંતોષની વાત હોઈ શકે. કેમ કે મારા લગ્ન ઉપર બહેન રેવાનું તકદીર અવલંબી રહેલ છે. મારું લગ્ન તો સરયુ મને ગમે કે ન ગમે તોયે એક સોદાની વસ્તુ બનશે.

રેવા – રેવાને યાદ કરતાં નિરંજનને ભાઈબીજ યાદ આવી. રેવા મારું વ્રત ઊજવવાની તૈયારી કરતી હશે. માટીના લીંપણને માટે રેવા આગણું વાળતી હશે. સારી રાત સ્વપ્નમાં સળવળતી રેવા પરોઢે ઊઠીને લીંપશે, સાથિયા પૂરશે, ને ઘીનો દીવો કરશે. પ્રભાતનાં કિરણો ફૂટશે ત્યારે રેવા પોતાના યૌવનનું અકલ-અગમ પાતક પુરજનોની નજરથી છુપાવવા માટે પાછી ઘરમાં લપાશે.

ક્યાં સુધી? રેવાને આમ ક્યાં સુધી છુપાવવાનું રહેશે ?

મારો નિર્ણય થતાં સુધી !

હું નિર્ણય કરી નાખું તો ?

તોયે હવે તો સરયુના અભિપ્રાયોમાં આ કાળમુખો રવિવાર કેવું ડહોળાણ ઉત્પન્ન કરશે ! સરયુ જ એના બાપને ઘસીભૂંસી ના કહી દેશે તો ? સરયુમાં એવી નિશ્ચયબુદ્ધિ નથી એ વાત ખરી, પણ સુનીલા જ દીવાનસાહેબનું હૃદય ડહોળી નાખશે તો ? ઓહ ! દુષ્ટ પેલો સેક્રેટરી જ મારા ભાગ્ય-નિકંદનનું, રેવાના દુર્દૈવનું મૂળ બનશે.

છેલ્લા પિરિયડના ડંકા પડયા ત્યારે જ નિરંજન આ દિવાસ્વપ્નની સાળ પરથી ઊઠ્યો. પોતે ઊઠ્યો ત્યારે સહુ એની સામે જોઈ હસતા હતા. પ્રોફેસર પણ એ ટીખળમાં સામેલ હતા. પ્રોફેસરે ટકોર કરી: “રાતે બહુ ઉજાગરા ખેંચો છો, મિ. નિરંજન ?”

કોઈક વિદ્યાર્થીએ વળી ગીતાસૂત્ર ટાંક્યું: “... सा निशा पश्यतो मुनैः ॐ"

કેવા બેવકૂફો ! સમજી બેઠા કે હું સૂઈ ગયો હતો.