પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવો વિજય
57
 


આવો પ્રાણ કોઈક જ વાર બોલે છે. એકાદ વાર તો એ ચોક્કસ બોલે છે. એના સૂર વારંવાર સંભળાતા નથી.

આંખો ચોળતાં ચોળતાં પ્રિન્સિપાલે ફરીથી ચશ્માં ચડાવ્યાં. કલમ હાથમાં લઈને તુમારો પર સહીઓ કરવા લાગ્યા. વચ્ચે એ એક વાર હસ્યા ને એણે નાનકડું આત્મસંભાષણ કર્યું: “બાય જોવ ! આઈ એમ ગેટિંગ ઇન એ ડેન્જરસ મૂડ. (ખરેખર, હું કોઈક ભયાનક મનોદશામાં પેસી રહ્યો છું.)"

ને એણે કપાળ પરથી પસીનો લૂછ્યો. સાથે પેલા નવા ભાવને પણ ભૂસ્યો.

આ જ વેળા પ્રોફેસરે પોતાના ખંડમાં નિરંજનને તેડાવી પોતાની આગ ખાલી કરવા માંડી હતી: “તમે આ નામંજૂર થયેલી વાર્તા પ્રિન્સિપાલને કેમ મોકલી હતી?”

નિરંજને કશું કહ્યું નહીં. પ્રોફેસરે પોતાની અગ્નિધારા ચાલુ રાખી: “તમે મને શા માટે અળખામણો કર્યો? તમને શું એમ થઈ ગયું છે કે તમે બહુ સારી વાર્તા લખી શકો છો? તમારે મને બરતરફ કરાવીને શું મારી જગ્યા મેળવવી છે?”

આ બધા સવાલો શી રીતે ઊઠ્યા છે તેની કશી ગમ વગરનો નિરંજન એવો એક ધ્રાસકો અનુભવતો ઊભો રહ્યો કે પ્રિન્સિપાલે એની વાર્તાના પ્રશ્ન પર કોણ જાણે કેવાય ધડાકાભડાકા કર્યા હશે !

એકાએક એની નજર પરબીડિયા પર ગઈ, ને પ્રોફેસરે પોતાના હાથમાં દબાવેલો છતાં એ પ્રિન્સિપાલની સહીનો આસમાની શેરો વાંચી શકાયો: “એક્સેપ્ટ.”

"જાઓ, ઉજાણી જમજો. તમારી વાર્તા મંજૂર કરાવવા માટે મારે જમીન-આસમાન ડોલાવવાં પડ્યાં છે. પ્રિન્સિપાલને હવે ફરીથી ન ખીજવશો, નહીં તો તમારી કેરિયર...”

નિરંજન સમજી ગયો કે પ્રોફેસર ઊઠાં ભણાવવા માગે છે. એણે જરા આંગળી મૂકી જોઈ: “આપે એ શ્રમ લેવાની જરૂર નહોતી. મેં