આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કેશભાર ઘનશ્યામળ છૂટો વીંટી વળ્યો મુખચંદ,
નયને ઊંચા વ્યોમ વિશે કંઈ વાંચે ઊંડા મન્ત્ર,
મન્દ રમતું સ્મિત અધરે. 

વીણાતન્ત્રી વિશે રમંતી અંગુલિયો સપ્રેમ,
હિમગિરિવનનાં દેવદારુમાં કિરણો નચવે જેમ
વ્યોમ ઠરી પેલી ચંદા. 

તોય શ્રવણ મુજ પડે નહિં એ વીણાનાદ અનન્ત,
દિવ્યકન્યકાગાનણા સુર તે પણ સુણું નવ મન્દ,
ચન્દમાં લય એ પામે. 

કવિતદેવી એ સલીલ ઊભી ગાનવાદ્યમાં લીન,
વ્યોમથકી નવ નયન ખશેડે-એ દર્શન હું નવીન
દીન બની ઊભો નિરખું. 

(ખંડહરીગીત.)

ક્ષણ પછી જો ! આદરે
નૃત્યલીલા સુન્દરી,
ને શ્રવણું મુજ ત્યહાં પડે
વાજંતી નૂપુરઘૂઘરી. 

કન્યકાના ગાનથી,
ગૂઢ વીણાનાદથી,
અમૃતબિન્દું કંઇ ઝરે
તે કનકકિંકિણી ઝીલતી.  ૧૦