આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૩


જ સખી હતી; જગત્‌ હેને અન્યાયથી દૂભતું હતું, પણ વીણા હેની અચલ મિત્રભાવથી રહેલી સુખદુઃખની ભાગિની હતી; સુખમાં આનન્દમય ધ્વનિથી વૃદ્ધિ કરતી અને દુઃખમાં સમભાવવાળા કરુણ ધ્વનિથી આશ્વાસન આપતી; સુખ અને દુઃખના ઊભરા વીણાના ધ્વનિમાં કઢાતા હતા. તે છેક સૂધી સુસ્વર વાગતી હતી; અને આજ એકાએક સંગીત હેમાંથી નીકળી જ સકતું નથી. તેથી એ યુવતિ પિતાની વીણાને સંબોધન કરીને અનેક ભાવ દર્શાવે છે.— હાવા અનુભવ કવચિત્ સંગીતકલાના સેવકોને થાય છે; ક્યમે કર્યું ધાર્યું સંગીત-કંઠમાંથી કે વાદ્યમાંથી–ઉત્પન્ન થાય જ નહિં; પ્રેરણાજનિત ઊર્મિ આવે જ નહિ. એ અનુભવ પણ અહિં પ્રસંગવશાત્‌ પ્રગટ કર્યો છે. આ વિરાગિણીને તો આ પ્રસંગ-પોતાની કરુણ વૃતાન્તની સ્થિતિને લીધે, એકલી એક વીણા જ હેના પક્ષમાં રહેલી તેથી-વિશેષ વિષમ અને દુઃસહ બન્યો છે. તેથી જ વીણાને કહેલા સંબોધનમાં અનેક અનેક ઉદ્‌ગારો આવે છે.

શ્લોક ૧, ૪.

અહિં ‘મધુર રવ,’ ‘ગીત–અમીરસ’ કહ્યાછે તે વીણાન ધ્વનિના નહિં; વિણા તો ‘સહસા મુક થઈ છે (શ્લો. ૬); એ રવ અને ગીત તે યુવતિના કંઠમાંથી ઉત્પન્ન થયેલાં છે. વીણાને સંબોધન કરેલું તે લાંબું ગીત જ છે. આમ વિરોધ નથી તે જણાશે.

શ્લોક ૧.

‘પલાણીને’ નો કર્તા ‘રવ’અને કર્મ ‘અનિલ’ છે.